જાફરાબાદ તાલુકાના ટીંબી હાઇવે પર સોંદરડા ગામના પાટીયા પાસે ગઇકાલે વહેલી સવારે ગરાળ ગામનો એક યુવક પોતાની છકડો રીક્ષા લઇ ટીંબી યાર્ડમા ઘાસચારો વેચવા જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકર મારતા રીક્ષા પલટી ખાઇ જતા યુવકનુ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના ટીંબી હાઇવે પર સોંદરડાના પાટીયા પાસે બની હતી.
ઉના તાલુકાના ગરાળમા રહેતા ભીમજીભાઇ સોમાભાઇ બાંભણીયા (ઉ.વ.53) નામના આધેડે નાગેશ્રી પોલીસ મથકમા અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહન ચાલકે સામે ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું હતુ કે ગઇકાલે વહેલી સવારે સાતેક વાગ્યે તેનો નાનો ભાઇ દિનેશ પોતાની છકડો રીક્ષા નંબર જીજે 11 યુ 6208 લઇને ટીંબી યાર્ડમા ઘાસચારો વેચવા માટે જઇ રહ્યો હતો.
દિનેશ જયારે રીક્ષા લઇને સોંદરડા ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેની રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે દિનેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત થયુ હતુ. બનાવ અંગે પીએસઆઇ પી.એ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.