બેદરકારી:50 પત્ર લખ્યા, બે વખત મુદ્દત વધારાઈ પણ ડેપોનું કામ અધૂરું

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં નવા બની રહેલા ડેપોમાં ફલોરીંગ, સીસીરોડ , ફર્નીચર સહિતની કામગીરી હજુ બાકી છે. પ્લાસ્ટરીંગની કામગીરી ચાલી રહી છે. જે પણ 15 ટકા બાકી છે. - Divya Bhaskar
અમરેલીમાં નવા બની રહેલા ડેપોમાં ફલોરીંગ, સીસીરોડ , ફર્નીચર સહિતની કામગીરી હજુ બાકી છે. પ્લાસ્ટરીંગની કામગીરી ચાલી રહી છે. જે પણ 15 ટકા બાકી છે.
  • 14 કરોડના ખર્ચે બની રહેલા અમરેલી એસટીના ડેપોનું કામ ટલ્લે ચડ્યું
  • સપ્ટેમ્બરમાં પણ સંપૂર્ણ કામ નહીં થાય: માત્ર ગ્રાઉન્ડ ફલોર, પ્રથમ માળ કાર્યરત થશે
  • નવા બની રહેલા ડેપોમાં હજુ કેવા પ્રકારની કામગીરી બાકી ?

અમરેલીમાં છેલ્લા ત્રણ વર્ષથી 14 કરોડના ખર્ચે નવા બસ ડેપોની કામગીરી ચાલી રહી છે. અહી કામગીરી ઝડપી કરવા માટે એસટીએ કોન્ટ્રાકટરને 50 જેટલા પત્ર લખ્યા છે. છતાં પણ કામગીરી ઠેરની ઠેર જોવા મળી રહી છે. ડેપોની કામગીરી પૂર્ણ કરવા બે વખત મુદત પણ વધારાઈ હતી. જો કે હવે સપ્ટેમ્બર સુધીમાં નવો ડેપો તૈયાર કરવા નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

અમરેલીની મધ્યમાં આવેલ ડેપો ત્રણ વર્ષ પહેલા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ નવા બસ પોર્ટના નિમાર્ણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના ખાતમૂહૂર્ત સમયે ખુદ રાજયના વાહન વ્યવહાર મંત્રી પધાર્યા હતા. પણ શરૂઆતથી બસ સ્ટેન્ડની કામગીરી ટલ્લે ચડી હતી. પ્રથમ પાલિકાએ નવા બસ ડેપોની કામગીરીના નિમાર્ણ માટે મંજુરી આપી ન હતી.

લાંબા સમય બાદ પાલિકાએ મંજુરી આપતા અંતે ડેપોની કામગીરી શરૂ કરાઇ હતી. પણ ગોકળગાયની ગતીએ ચાલતી કામગીરીના કારણે નવા ડેપોનું નિમાર્ણ માર્ચ 2021 અને જૂન- 2021ની છેલ્લી તારીખોમાં પણ બસ ડેપો તૈયાર થયો નથી.

એસટીના વિભાગના ઈન્ચાર્જ ડેપ્યુટી એન્જીનિયર સોનમબેન જોષીએ જણાવ્યું હતું કે બસ ડેપોની કામગીરી ઝડપી કરવા માટે એસટીએ કોન્ટ્રાક્ટ એજન્સીને 50 જેટલા પત્ર લખ્યા છે. 5 માળના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ અને પ્રથમ ફ્લોર પર એસટી ડેપો કાર્યરત રહેશે. આ કામગીરી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

કોરોના મહામારીના કારણે મજુરનો અભાવ: એન્જિનિયર
એસટીના ઈન્ચાર્જ ડેપ્યુટી એન્જીનિયર સોનમબેન જોષીએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરે કોરોના કાળમાં મજુર ન હોવાનું કારણ આપ્યું છે. કામગીરી માટે 100 થી 150 મજુરની જરૂર હોય છે. પણ અત્યારે કામગીરીમાં માત્ર 40 થી 50 મજુર કામગીરી કરી રહ્યા છે.> સોનમબેન, એસટીના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર

કામ ચલાઉ બસ સ્ટેન્ડમાં અસુવિધાથી મુસાફરો પરેશાન
નવા બસ ડેપોના નિર્માણ સમયે બાજુમાં કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવાયુ છે.પણ અહી વરસાદી છાંટા પડવાથી કાદવ – કીચડ જામે છે. તેમજ સતત ઉડતી ધૂળથી એસટીના કર્મીઓ અને મુસાફરો પરેશાન બન્યા છે. ઘણીવાર વાહન ચાલકો અકસ્માતનો પણ ભોગ બને છે.