વિરોધ:બેંકના ખાનગીકરણના વિરોધમાં કર્મીઓ 2 દિવસની હડતાલ પર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં એસબીઆઈની લીડ બેંક ખાતે કર્મીના સુત્રોચ્ચાર
  • 430કર્મીઓ જોડાયા​​​​​​​: 100 થી 150 કરોડનું ટર્નઓવર ઠપ્પ

સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં અમરેલી જિલ્લાભરમાં બેંક કર્મચારીઓ બે દિવસ સુધી હડતાલ પર ઉતરી ગયા છે. અમરેલીમાં એસબીઆઈ લીડ બેંક ખાતે કર્મચારીઓએ એક કલાક સુધી સુત્રોચ્ચાર કરી બેંકના ખાનગીકરણનો વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાભરમાં વિવિધ બેંકના 430 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. જેને પગલે જિલ્લામાં દરરોજનું 100 થી 150 કરોડનું ટર્નઓવર ઠપ્પ થયું હતું.

ગુજરાત બેંક વર્કસ યુનિયનના પડસાલાએ જણાવ્યું હતું કે સરકાર બેંકોને ખાનગી ઉદ્યોગોના હાથોમાં સોંપવા જઈ રહી છે. સરકારી બેંકનું ખાનગીકરણ થશે. ગ્રાહકોને દરેક સર્વિસનો ચાર્જ આપવો પડશે. અને ખાતેદારોને લોન મેળવવામાં અનેક અગવડોનો સામનો કરવો પડશે. સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં ગુજરાત બેંક વર્કસ યુનિયન બે દિવસની હડતાલ પર ઉતર્યા છે.

અમરેલી જિલ્લામાં આજે એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, યુકો બેંક અને સેન્ટ્રલ બેંક સહિતની 12 બેંકના 430 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા.અમરેલી જિલ્લામાં બેંકમાં હડતાલના કારણે લોકોની નાણાંની લેવડ- દેવડ ઠપ્પ થઈ હતી.

આ સાથે જ જિલ્લાનું દરરોજનું બેંકમાં થતું 100 થી 150 કરોડનું ટર્નઓવર પણ ખોરવાયું હતું. આવતીકાલે પણ અમરેલી જિલ્લાની તમામ બેંકમાં હડતાલ રહેશે. ગુજરાત બેંક વર્કસ યુનિયને અમરેલીના નાથગનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ બેંકમાં ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. અને સરકાર બેંકના ખાનગીકરણના વિરોધને પરત ખેંચે તેવી તેમણે માંગણી કરી હતી.

સરકારે પહેલા બેંકોને મર્જ કરી હવે ખાનગીકરણ કરશે: વર્કસ યુનિયન
ગુજરાત બેંક વર્કસ યુનિયને જણાવ્યું હતું કે પ્રથમ સરકારે અનેક બેંકને મર્જ કરી દીધી હતી. જેના કારણે લોકોના બેંક ખાતા નંબર અને આઈએફસી કોર્ડ બદલાયા હતા. જેમાં ખાતેદારોને બેંકની કામગીરીમાં અગવડો વેઠવી પડી હતી. હવે ફરી સરકાર બેંકનું ખાનગીકરણ કરવા જઈ રહી છે.

લોકોને બેંકના ધક્કા થયા પણ કામ ન થયું
અમરેલી જિલ્લામાં ખાનગીકરણના વિરોધમાં સરકારી તમામ બેંક બંધ જોવા મળી હતી. જેના કારણે સવારથી જ બેંક ખુલ્લી ન હતી. લોકો બેંક ખાતે કામગીરી માટે પહોંચ્યા હતા. પણ બેંક બંધ હોવાથી કામગીરી થઈ ન હતી. અને માત્ર ધક્કો ખાવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...