રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે રોડ મંજૂર થયા બાદ નેતાઓ મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરી મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવે છે પછી વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવે છે. તેવી જ એક ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે. અહીં ગત 15 જાન્યુઆરીએ સાવરકુંડલા-રાજુલા વચ્ચે રાજુલાથી બાઢડા હાઇવેનું સરકારના મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ માર્ગ 32 કિલોમીટરનો છે, આ માર્ગના ખાતમુહૂર્ત વખતે સરકારના મંત્રી આર.સી.મકવાણા, સહકારી અગ્રણી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા સહિતના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં છેલ્લા 1 મહિનાથી આ રોડનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા અધૂરું મૂકી દેવાતા ટલ્લે ચડી ગયું છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. સાથે જ વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંબરડી ગામથી કામ અધૂરું મૂક્યું હોવા છતાં સાંસદ સહિતના લોકો અહીં અવારનવાર પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈ નેતાએ ફરી કામ શરૂ કરવા અથવા પૂર્ણ કરવા પણ તસ્દી નથી લીધી. મહત્વની વાત એ છે સરકારી મંત્રીએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યુ છે એ રોડ ખોરંભે ચડ્યો છે, રોડના કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે સ્થાનિક દિલીપભાઈએ કહ્યું હતું કે આ રોડ મંત્રીઓ ખાતમુહૂર્ત કરીને, મોટી જાહેરાતો કરીને ગયા છે. રોડની કામગીરી અધૂરી મૂકી કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે. ખાતમુહૂર્ત કરવા તો નેતાઓની લાઈન લાગી હતી, અત્યારે ઘણી ધૂળ ઉડે છે, વાહન ચાલકો ખૂબ હેરાન થાય છે. ખાતમુહૂર્ત કરી ગયા એ લોકો ફરી આ રોડમાં ધ્યાન આપી પાછું કામ કરાવે તેવી લોક માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.