શિયાળામાં જ પાણીનો પોકાર:લાઠીમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓ રણચંડી બની, પાલિકાનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો

અમરેલી16 દિવસ પહેલા
  • ભાજપ શાસિત નગર પાલિકાના ઉપપ્રમુખના વિસ્તારમાં જ પાણીની સમસ્યા અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય

અમરેલી જીલ્લાના લાઠી શહેરમા પાણીના મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી અને નગર પાલિકાનો ઘેરાવ કર્યો હતો. ભરશિયાળે ગાગડિયા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય અને તળમાં પણ પાણી સારૂ હોવા છતાં પાલિકાના અધિકારીઓ અને પ્રશાસનની બેદરકારી અને અણ આવડતના કારણે વોર્ડ નંબર-2માં પાણીનું વિતરણ છેલ્લા 4 થી 5 દિવસોથી નહીં કરાતા મહિલાઓ પાલિકા પર પહોંચી અને હલ્લાબોલ કર્યો હતો.પાલિકા સામે વિરોધના પગલે પાલિકાના અણધડ વહીવટની પોલખુલી હતી અને રીતસર દેકારો મચ્યો હતો.

લાઠીના કલાપી પાર્ક,કુંડીવાડી,બગીચા પ્લોટ,વાલ્મિકી વાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે પ્રશાસન દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતું હોવાથી આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણીનું વિતરણ કરાયું ન હતું તેમજ અવાર-નવાર આ વિસ્તારો તેમજ અન્ય વિસ્તારોમાં પણ પાણીની રામાયણ શરુ જ રહે છે ક્યારેક પાણી વિતરણ કરતા કર્મચારીઓ મોટર ખરાબ હોવાના બહાના આપે છે તો ક્યારેક તેમની બેદરકારીના કારણે લોકોને પાણી મળતું નથી અને પાણીની વિતરણની પદ્ધતિના કારણે લોકો ત્રસ્ત થઇ ચુક્યા છે. અનેક વખત પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય આવતો ન હોવાથી મહિલાઓ રણચંડી બની હતી અને 60 થી 70 મહિલાઓનું ટોળું નગર પાલિકા ખાતે ઘસી ગયું હતું અને હાલ્લાંબોલ મચાવ્યો હતો અધિકારીની ઓફિસમાં પણ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત થઇ હતી.

સ્થાનિક અધિકારો અને મહિલાઓ અને સ્થાનીય લોકો વચ્ચે પણ ઉગ્ર તુતુમેમે થઇ હતી. પાલિકામાં ચીફ ઓફિસર,પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ હાજર ન હોવાથી પાલિકામાં હાજર ઈજનેર અને અન્ય કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો અને આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા બાંહેધરી આપવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ભારે હોહાલ્લાંના દ્રશ્યો લાઠી નગર પાલિકામાં સર્જાયા હતા.

હાલ ભાજપની બોડી નગરપાલિકામાં સતાના સ્થાને છે અને અહીં હાલના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા ભાનુબેન રાજુભાઈ મોતીસરીયા તેમજ તેમના પતિ અને લાઠી શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ મોતીસરીયાનો મત વિસ્તાર છે તેવામાં ભાજપના આગેવાનોના વિસ્તારમાં જ પાણી વિતરણની દયનિય સ્થિતિ છે અને ભાજપ શાસિત વિસ્તારમાં જ પાણી વિતરણ નહીં થતા મહિલાઓને ઘેરાવ કરવાની ફરજ પડી હતી અનેક વખત સ્થાનિક સભ્યો અને આગેવાનોને રજુઆત કરવામાં આવી છે તેમ છતાં તેમને પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી આવી સ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ પાણીના કોન્ટ્રાકટ કોઈ કંપનીને આપેલો હોય અને તેમને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે પણ મેઈન્ટેન્ટસ યોગ્ય થતું ન હોવાને કારણે પાણી પુરવઠો લોકોને નિયમિત મળતો નથી જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...