રસ્તા મુદ્દે ચક્કાજામ:રાજુલાની રેન્બો સોસાયટીમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરાયા બાદ કામગીરી શરૂ ન થતા મહિલાઓ રસ્તા પર ઉતરી

અમરેલી15 દિવસ પહેલા
  • પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
  • મહિલાઓ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવા પહોંચી

અમરેલીના રાજુલા શહેરની રેન્બો સોસાયટીમાં રસ્તાના કામનું ખાતમુહૂ્ર્ત થયા બાદ પણ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં નારાજગી ઉભી થઈ છે. આજે મહિલાઓ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. મહિલાઓ દ્વારા નગરપાલિકા સમક્ષ વહેલીતકે રસ્તાની કામગીરી શરૂ કરવાની માગ કરી છે.

ચીફ ઓફિસરને રજૂઆત કર્યા બાદ સમસ્યા યથાવત
રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલી રેન્બો સોસાયટીમાં રસ્તાના કામ માટે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ, ત્યારબાદ રસ્તાની કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે. રસ્તા બાબતે વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હોવા છતા રસ્તાની કામગીરી શરૂ ન થતા મહિલાઓનું ટોળું હાઈવે પર ધસી આવ્યું હતું અને ચક્કાજામ કરી દેતા વાહનો થંભી ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો
ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ મહિલાઓ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત માટે પહોંચી હતી. નગરપાલિકા દ્વારા હાલ આ વિસ્તારની મુલાકાત કરી તપાસ કરવાની ખાતરી આપી છે. પરંતુ, સ્થાનિકોની એક જ માગ છે કે, આ વિસ્તારમાં ઝડપથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવે.

ગટરના પાણી આવે છે રોડ પર
અહીની રેઇનબો સોસાયટી જાણે અસુવિધાનુ ઘર છે. સારા રસ્તા અને પીવાના પાણીની સમસ્યા મુદે તેમજ અહી ગટરનો પણ પેચીદો પ્રશ્ન છે. ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર આવી જતા હેાય લોકોને આવા ગંદા પાણીમાથી પસાર થવુ પડે છે.

કોઇ કામ કરવા ન ડોકાયુ: નિખીલભાઇ
સ્થાનિક રહિશ નિખીલભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે પાલિકાવાળા જે તે સમયે અહી રોડનુ ખાતમુર્હુત કરવા આવ્યા હતા. પરંતુ ત્યારબાદ રોડનુ કામ કરવા કોઇ ડોકાયુ નથી. અહી પાણી ભરાવાની સમસ્યા છે જેનો ઉકેલ જરૂરી છે.

આ વિસ્તારમાં ગંદકીની પણ મોટી સમસ્યા
રાજુલા પાલિકા દ્વારા શહેરની છેવાડાની સોસાયટીઓમા નિયમીત સફાઇ કરાવવામા આવતી નથી. ખરાબ રસ્તા કે ગટરના પાણી ઉભરાવા તેમજ ચારે તરફ ગંદકી પથરાયેલી છે જેની સફાઇ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...