જાગૃત નાગરિકો:ગામમાં કોણ કોણ દારૂ વેચે છે ? ખાંભાના ડેડાણ ગામમા જાહેરમાં લાગ્યું બોર્ડ, અમરેલી જિલ્લામાં દેશી અને ઇંગ્લીશ દારૂનુ દુષણ વધ્યું

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાહેરમાં બોર્ડ લાગાવ્યા કે કોણ કોણ દારૂનો ધંધો કરે છે - Divya Bhaskar
જાહેરમાં બોર્ડ લાગાવ્યા કે કોણ કોણ દારૂનો ધંધો કરે છે
  • પોલીસે તમામના ઘરે રેડ કરી પરંતુ માત્ર ચાર સ્થળે નામ માત્રનો દારૂ મળ્યો
  • તંત્રની આબરૂના ધજાગરા ઉડાડતા જાગૃત નાગરિકો

અમરેલી જિલ્લામાં પાછલા કેટલાક સમયથી દેશી અને ઇંગ્લીશ દારૂનુ દુષણ વધ્યું છે. ત્યારે ખાંભાના ડેડાણમા ગામમા કેટલા કેટલા સ્થળે દારૂના હાટડા ચાલી રહ્યાં છે તેના નામ સરનામા સાથેનુ બોર્ડ કોઇએ જાહેર ચોકમા જ મુકતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને ઠેકઠેકાણે દરોડા પાડયા હતા.

જાગૃત નાગરિકોએ જાહેરમા બોર્ડ મુકી પોલીસનો કાન પકડયો
અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અવારનવાર પ્રોહિબિશન ડ્રાઇવ ગોઠવવામા આવે છે અને ચોપડે અનેક કેસો બતાવાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લાભરમા દારૂની બદી ફુલીફાલી છે. કેટલાક ગામોમા દારૂની રેલમછેલ હેાય તેવી સ્થિતિ છે. ખાંભાના ડેડાણમા જાગૃત નાગરિકોએ દારૂના ધંધાર્થીઓ વિશે જાહેરમા બોર્ડ મુકી પોલીસનો કાન પકડયો છે.

11 લોકો તેના રહેણાંકમા દારૂ વેચતા હોવાનુ જાહેર
ડેડાણમાં ગઇકાલે કોઇ વ્યકિતએ ગામના જુદાજુદા 11 લોકો તેના રહેણાંકમા દારૂ વેચતા હોવાનુ જાહેર કર્યુ હતુ. ખુદ સરપંચનો પુત્ર પણ દારૂ વેચતો હોવાનુ બોર્ડ મુકાયુ હતુ. પોતાને સમાજ સેવક ગણાવતી વ્યકિતએ દરેક દારૂના ધંધાર્થીના સરનામા પણ લખ્યા હતા. જો કે આ ઘટના પછી ધંધાર્થીઓ પણ સાવચેત થઇ ગયા હતા. અને દારૂનો જથ્થો સગેવગે કરી નાખ્યો હતો.

બદનામ કરવા તેના પુત્રનુ નામ લખ્યુ : સરપંચના પતિ
દરમિયાન આજે પોલીસે આ તમામ 11 સ્થળ અને અન્ય કેટલાક સ્થળે દારૂ અંગે રેડ કરી હતી. પોલીસને ચાર સ્થળેથી નામ માત્રનો દેશીદારૂ મળ્યો હતો. સરપંચના ઘરેથી પણ કશુ મળ્યું ન હતુ. સરપંચના પતિ અલારખભાઇએ જણાવ્યું હતુ કે વિઘ્ન સંતોષીઓએ તેમને બદનામ કરવા તેના પુત્રનુ નામ લખ્યુ હતુ.

સરકારી તંત્રની સાંઠગાંઠ તૂટશે !
ગામે ગામ લોકોએ આ ઝુંબેશ ઉપાડવી જોઇએ
અગાઉ ખાંભામા બોર્ડ મુકાયા બાદ આજે ડેડાણમા દારૂના ધંધાર્થીઓના નામ સરનામાનુ બોર્ડ મુકાતા સમાજનો એક વર્ગ એવુ પણ ઇચ્છી રહ્યો છે કે જો પોલીસ દારૂના ધંધાર્થીઓ સુધી ન પહોંચી શકતી હોય અને હપ્તાખોરી કરતી હોય તો દરેક ગામના લોકોએ જાગૃત બની આ રીતે દારૂના ધંધાર્થીઓને ઉઘાડા પાડવા જોઇએ.

અમે તમામ ઘરોમાં તપાસ કરી : પીએસઆઇ
ખાંભાના પીએસઆઇ ગોહિલે જણાવ્યું હતુ કે આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે બોર્ડમા લખેલા તમામ લોકોને ત્યાં રેડ કરી હતી. ચાર સ્થળેથી દેશીદારૂ ઝડપાયો છે. અહી અવારનવાર રેડ કરીએ છીએ. હજુ પણ કોઇ ચોરી છુપીથી દારૂ વેચતુ હશે તો છોડવામા નહી આવે.

મારા ઘરે અને ખેતરમા પોલીસે તપાસ કરી- સરપંચ પતિ
ડેડાણના સરપંચના પતિ અલારખાભાઇ પઠાણે જણાવ્યું હતુ કે કોઇએ બોર્ડ મુકયા બાદ પોલીસે મારા ઘરે અને ખેતરમા પણ તપાસ કરી હતી. અમારી પાસેથી પોલીસને દારૂ મળ્યો નથી. ગામમા થોડા ઘણા બંધાણીઓ છે. જો દારૂ પીને જાહેરમા ખેલ કરશે તો અમે પોલીસને જાણ કરીશુ.

દારૂ માટે દીવ ન જવુ ખાંભામાં મળી રહેશે : જાગૃત નાગરિક
આ વિસ્તારના જાગૃત લોકોએ થોડા દિવસ પહેલા ખાંભામા પણ પોલીસની ઉંઘ ઉડાડી હતી અને બસ સ્ટેન્ડ ચોકમા જ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર જ એવુ લખાણ મુકયુ હતુ કે દારૂ માટે દિવ ન જવુ, ખાંભામા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...