ચૂંટણી જંગ:જિલ્લામાં અત્યાર સુધીમાં કયા સ્ટાર પ્રચારકો આવ્યા ? હવે કોણ આવશે ?

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના તમામ ઉમેદવારોએ યોગી આદિત્યનાથની સભા માંગી

અમરેલી જિલ્લામા ચુંટણી પ્રચાર ચરમસીમા પર છે. ભાજપ અને આપના સ્ટાર પ્રચારકો જિલ્લાભરમા ફરી વળ્યાં છે. જો કે કોંગ્રેસના એકપણ સ્ટાર પ્રચારક હજુ સુધી અમરેલી જિલ્લામા આવ્યા નથી.સૌથી વધુ સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટીના આવ્યા છે. ખુદ પ્રધાનમંત્રીએ અમરેલીમા સભા કરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા જુદાજુદા તાલુકામા ફરી રહ્યાં છે. ઉપરાંત સી.આર.પાટીલ, મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો.વિરેન્દ્ર સિંહ વિગેરે જુદાજુદા સ્થળે આવી ચુકયા છે. આવનારા સમયમા પુરૂષોતમ રૂપાલા તો છે જ. ઉપરાંત દરેક ઉમેદવાર યોગી આદીત્યનાથની સભા પણ ઇચ્છી રહ્યાં છે.

અમીત શાહને પણ લાવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલનો અમરેલીમા રોડ શો યોજાયો હતો. જયારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો રાજુલામા યોજાયો હતો. પંજાબના બે ધારાસભ્યોના એક પખવાડીયાથી અમરેલી જિલ્લામા ધામા છે. નેશનલ સેક્રેટરી રાઘવ ચઢ્ઢા અમરેલી જિલ્લાની મુલાકાતે આવી ચુકયા છે.

જો કે આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ તરફથી એકપણ સ્ટાર પ્રચારકે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી નથી. અગાઉ રાહુલ ગાંધીની 22મીએ સભા નક્કી થઇ હતી જે કેન્સલ કરાઇ હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની બાબરાની સભા પણ કેન્સલ કરાઇ હતી. સ્ટાર પ્રચારકોના કારણે ઉમેદવારોનો પણ સમય બગડતો હોય તેના બદલે ઉમેદવારો સીધા જ જનસંપર્કમા રહે તેવી સ્ટ્રેટેજી કોંગ્રેસે અપનાવી છે.

અન્ય સમાચારો પણ છે...