વાહન ચેકીંગ:તમામ રસ્તા પર પહેરો: 30 ચેકપોસ્ટ ઉભી કરાઇ

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ચેકપોસ્ટ પર જવાનો દ્વારા વાહન ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની દેખરેખ રખાઇ રહી છે: પોલીસ વડા
  • જિલ્લામાં​​​​​​​ ચૂંટણી
  • પહેલા 2276 માથાભારે શખ્સની અટકાયત : 141 શખ્સને હદપાર કરાયા : દારૂની હેરફેર પર રહેશે ચાંપતી નજર

વિધાનસભાની ચુંટણી પ્રક્રિયાનો આરંભ થતાની સાથે જ સમગ્ર અમરેલી જિલ્લામા સુરક્ષા તંત્ર પણ હરકતમા આવ્યું છે. જિલ્લા પોલીસવડા દ્વારા અમરેલી જિલ્લાના તમામ પ્રવેશદ્રાર પર ચેકપોસ્ટ ઉભી કરી દેવામા આવી છે અને હાલમા 30 ચેકપોસ્ટ પર દિવસ રાત વાહન ચેકીંગ શરૂ કરાયુ છે. આ ઉપરાંત માથાભારે ઇસમો સામે વ્યાપક પ્રમાણમા અટકાયતી પગલા પણ શરૂ કરવામા આવ્યા છે.

જયાં સુધી વિધાનસભાની ચુંટણી પુરી ન થાય ત્યાં સુધી અમરેલી જિલ્લામા અન્ય જિલ્લાઓમાથી અવરજવર કરતા વાહનો અને લોકો પર ચાંપતી નજર રાખવામા આવશે. આ ઉપરાંત જિલ્લાના આંતરીક રસ્તાઓ ઉપર પણ પોલીસ તંત્રનો સઘન ચોકી પહેરો રહેશે. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘ અને તેની ટીમ દ્વારા અમરેલી જિલ્લાના તમામ મુખ્ય રસ્તાઓ પર ચેકપોસ્ટ કાર્યરત કરવામા આવી છે.

બીજા શબ્દોમા જિલ્લાના ચારેય દિશામા જેટલા પણ પ્રવેશદ્રાર છે તે સ્થળો ઉપરાંત અંદરના વ્યુહાત્મક સ્થળોએ પણ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. સમગ્ર જિલ્લામા આવી 30 ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે. જયાં દિવસ રાત વાહનોનુ ચેકીંગ કરવામા આવી રહ્યું છે. અસામાજીક તત્વોની અવરજવર, દેશી કે ઇંગ્લીશ દારૂ તથા ડ્રગ્સની હેરફેર કે પછી મોટી નાણાકીય હેરફેર પર સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે.

બીજી તરફ પોલીસ દ્વારા ચુંટણી પુર્વે માથાભારે શખ્સો સામે અટકાયતી પગલા પણ શરૂ કરાયા છે. સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ અત્યાર સુધીમા 2276 માથાભારે શખ્સોની અટકાયત કરવામા આવી છે. તંત્ર દ્વારા સૌથી વધુ સીઆરપીસી 110 મુજબ 1380 શખ્સોની અટકાયત કરાઇ છે. આ ઉપરાંત કલમ 107/116 મુજબ 535 લોકોની અટકાયત કરાઇ છે.

બીજી તરફ 46 શખ્સો સામે પાસા હેઠળ, 141 શખ્સો સામે હદપારીની દરખાસ્ત કરવામા આવી છે. ચુંટણી જાહેર થયા બાદ જુદાજુદા સ્થળેથી ઇંગ્લીશ દારૂની 321 બોટલ કબજે લેવાઇ હતી. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતુ કે તમામ ચેકપોસ્ટ પર જવાનો દ્વારા વાહન ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનુ પાલન થાય તેની દેખરેખ રખાઇ રહી છે.

1033 હથિયાર જમા લેવામાં આવ્યા
પોલીસ તંત્ર દ્વારા અમરેલી જિલ્લામા હથિયારના પરવાનેદારોને પોતાના હથિયારો જે તે પોલીસ સ્ટેશનમા જમા કરાવી દેવા તાકિદ કરવામા આવી હતી. જેને પગલે આજદિન સુધીમા અમરેલી જિલ્લામા હથિયારનુ લાયસન્સ ધરાવતા લોકોએ 1033 હથિયાર પોલીસ મથકોમા જમા કરાવી દીધા હતા.

પેરા મિલેટ્રી ફોર્સની પણ મદદ લેવાઇ રહી છે​​​​​​​
ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ તો ફરજ બજાવી રહ્યાં છે. સાથે સાથે પેરા મિલેટ્રી ફોર્મને પણ ચેકપોસ્ટ પર કામે લગાડવામા આવી છે. ઉપરાંત ગ્રામ રક્ષક દળના જવાનો પણ કામે લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...