રાજુલા તાલુકાના વાવેરાથી બાબરીયાધાર સુધી આરસીસી અને ડામરના માર્ગમા કામગીરી તદન નબળી થઇ હોવા અંગે સ્થાનિક આગેવાન દ્વારા કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવામા આવી છે. બર્બટાણામા રહેતા વકિલ કનુભાઇ કામળીયા દ્વારા કાર્યપાલક ઇજનેરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે વાવેરાથી બાબરીયાધાર સુધી રોડનુ કામ પુર્ણ થયેલ છે.
બર્બટાણા અને મોટી ખેરાળીમા આરસીસીના રોડ બનાવવામા આવે છે. જેમા પુરતા પ્રમાણમા ખોદકામ કરાયુ નથી. ટેન્ડર મુજબ પુરતુ લોખંડ વપરાયુ નથી. પુરતા પ્રમાણમા સીમેન્ટ વાપરવામા આવી નથી. રેતી પણ સ્થાનિક નદીની ધુળવાળી વાપરવામા આવી છે. જેના લીધે રોડ ઉખડવા લાગ્યો છે. અવારનવાર વાહનો સ્લીપ થાય છે.
આ ઉપરાંત ડામરનુ કામ પુર્ણ થયેલ છે તેમા પણ યોગ્ય ડામર વાપરવામા આવ્યો નથી. રોડને બ્રશ અને કમ્પ્રેશરથી પહેલા ધુળ સાફ કરવાની હોય તે કરવામા આવી નથી. ખરાબ કામના લીધે અનેક જગ્યાએ ખરાબ થઇ ગયો છે. સાઇડો પણ યોગ્ય રીતે પુરાણ કરવામા આવી નથી. કોઝવે પાસે પણ યોગ્ય રીતે માર્ગનુ કામ કરાયુ નથી. વાવેરાથી બર્બટાણા જતા રેલવે ફાટકે કોઇપણ રોડ બનાવવામા આવ્યો નથી તેમજ મોટી ખેરાળી ગામે પણ 10 ફુટનો રસ્તો બાકી રાખી દેવામા આવ્યો છે. આમ ટેન્ડર મુજબ કામગીરી કરવામા આવી નથી.
યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવા માંગ
રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે આરસીસી રોડનુ કામ પુર્ણ થયા બાદ લેબ ટેસ્ટ પણ કરવામા આવી નથી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરને છાવરવામા આવતા હોવાનુ જોવા મળી રહ્યું છે. ત્યારે યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાવી જવાબદાર અધિકારી સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 7,20 અન્વયે ગુનો દાખલ કરવા અને કામની તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટરનુ બીલ નહી કરવા માંગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.