તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ પુરવઠાનો અભાવ:9 ગામ માટે મુંજીયાસર ડેમમાંથી પાણી છોડાયું

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વીજ પુરવઠાના અભાવે પાણી માટે પડતી હતી મુશ્કેલી
  • પશુઓનો પાણી પ્રશ્ન પણ હલ : વરસાદ પડે ત્યાં સુધી રોજ પાણી છોડાશે

અમરેલી જિલ્લાના જળાશયોમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે કોઈ નવાઈની વાત નથી. પરંતુ સિંચાઇના બદલે લોકો અને પશુઓ માટે પીવાનું પાણી કેનાલમાં છોડવામાં આવે તે આશ્ચર્યની વાત જરૂર છે. વાવાઝોડા બાદ બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતીવાડીમાં હજુ પણ વીજળી આવી નથી. જેથી 9 ગામના લોકોને વપરાશનું પાણી મળી રહે તે માટે મુંજીયાસર ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડવાનું શરૂ કરાયું છે.

બગસરાના ઉપરવાસમાં આવેલા મુંજીયાસર ડેમમાં જમણી બાજુ 7 કિમીની મેઇન કેનાલ અને ડાબી બાજુની 8 કિમીની મેઇન કેનાલ છે. ઉપરાંત પેટા કેનાલ મળી 60 કી.મી.ના એરિયાને આ કેનાલ આવરી લે છે. જેનો લાભ 9 ગામના લોકોને મળે છે. વાવાઝોડાના કારણે વીજળીના અભાવે આ વિસ્તારમાં પાણીની બુમરાણ છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા લોકોને તો પાણી મળતું જ નથી. કારણ કે ખેતીવાડીની લાઈનો હજુ ચાલુ કરાઈ નથી. સ્થાનિક લોકોએ આ અંગે ધારાસભ્ય જે. વી. કાકડિયાને રજૂઆત કર્યા બાદ તેમણે સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી. જેને પગલે ગઈકાલથી મુંજીયાસર ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડવાનું શરૂ કરાયું છે.

આ પાણી સિંચાઈ માટે છોડાઈ રહ્યું નથી. પરંતુ કેનાલ આસપાસ વસતા લોકો વપરાશનું પાણી તેમાંથી લઇ શકે તે માટે છોડાયું છે. આ ઉપરાંત પશુઓને પીવા માટે પણ આ પાણીનો ઉપયોગ થઈ શકશે. સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી મુંજીયાસર ડેમમાંથી દરરોજ પાણી છોડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બગસરા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીનો મોટો જથ્થો આવ્યો હતો. અને હજુ તો ચોમાસાની શરૂઆત થઈ રહી છે તે સમયે ડેમમાં પૂરતું પાણી હોય નવ ગામના લોકોના લાભ માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો.

ડેમમાં હાલમાં 80 ટકા પાણી ભર્યું છે
હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ થઇ નથી તેવા સમયે પણ મુંજીયાસર ડેમમાં 80 ટકા પાણી ભર્યું છે. ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 13.65 એમસીએમ છે તેની સામે હાલમાં 10.917 એમસીએમ પાણી ભર્યું છે. દરવાજા વગરના આ ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડાય છે.

સિંચાઈ સલાહકાર સમિતીનો નિર્ણય
આ વિસ્તારના ગામડાઓમાંથી રજૂઆત કર્યા બાદ અને ધારાસભ્યએ કરેલી રજૂઆતને પગલે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો તેમ ડેપ્યુટી ઈજનેર એચ. સી. વાજાએ જણાવ્યું હતું.

રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં પણ આ જ સ્થિતિ
વીજ કંપનીઓ દ્વારા વાવાઝોડા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરી દીધાનો દાવો કરવામાં આવે છે. પરંતુ રાજુલા-જાફરાબાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી મળતી નથી અને ખેતીવાડી લાઇનના તો કોઈ ઠેકાણા જ નથી. જેના પગલે ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...