ખોડિયાર અને મુંજીયાસર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પણ હજુ સુધી ઓરવણાનું પાણી કેનાલમાં આપવા માટે ખેડૂતોએ માંગણી કરી નથી. અહી સિંચાઈ સમિતિ માંગણી કરશે તો સિંચાઈ વિભાગ કેનાલમાં પાણી છોડવાનું આયોજન કરશે. અમરેલી અને બગસરા તાલુકાના ખેડુતો માટે દર વર્ષે પાણી છોડાય છે પરંતુ આ વર્ષે પાણી છોડવાના આયોજનના હજુ ઠેકાણા નથી.
અમરેલી જિલ્લાના ખેડૂતોને આમ તો સિંચાઇનો કોઇ મોટો લાભ મળતો નથી. પરંતુ અમરેલી જિલ્લામા આવેલા નાના જળાશયો પૈકી ખોડિયાર ડેમ અને મુંજીયાસર ડેમમાથી દર વર્ષે ચોમાસુ આવે તે પહેલા આગોતરૂ વાવેતર કરવા માટે જો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તો છોડવામા આવે છે. ખોડિયાર ડેમનુ પાણી સીધુ જ નદીમા છોડાય છે જે અમરેલી તાલુકાના ખેડૂતોના કામમા આવે છે. જયારે મુંજીયાસર ડેમનુ પાણી કેનાલ મારફત છોડાય છે.
અમરેલી જિલ્લામાં 10 જળાશયો આવેલા છે. જેમાં ઉનાળાના અંતમાં પણ ધારીનો ખોડિયાર ડેમ 57 ટકા તથા મુંજીયાસર ડેમ 53.87 ટકા ભરાયેલો છે. તો ધાતરવડી-1માં અત્યારે 43 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખોડિયાર ડેમમાંથી 18 જેટલા ગામડાઓને સિચાઈ માટે પાણી વિતરણ કરવામાં આવે છે. તો મુંજીયાસર ડેમમાંથી બગસરા, ડેરીપીપળીયા, હડાળા, હામાપુર, નટવરનગર, ખારી, જેઠીયાવદર, સમઢીયાળા અને માંડવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલમાં પાણી વિતરણ કરવામાં આવે છે. ખોડિયાર ડેમમાથી ધારી તાલુકાના ગામડાઓના ખેડૂતોને પણ લાભ મળે છે. આ વિસ્તારના ખેડૂતો મોટાભાગે આગોતરૂ વાવેતર કરી કપાસ અને મગફળીનો પાક મેળવે છે.
જો કે ઓણસાલ અકળ કારણોસર હજુ સુધી ખેડૂતેા જ સિંચાઇ થકી વાવેતર માટે તૈયાર થયા નથી. અત્યારે ખોડિયાર અને મુંજીયાસર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. પણ અત્યાર સુધીમાં ખેડૂતોએ ઓરવણા માટે પાણી માંગ્યુ જ નથી. સિંચાઈ વિભાગના કાતરીયાભાઈએ જણાવ્યું હતું કે ખોડિયાર ડેમની સિંચાઈ સમિતિની અગાઉ મળેલી બેઠકમાં ઓરવણાના પાણીની વાત વર્ણવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં ખોડિયાર કે પછી મુંજીયાસર ડેમમાંથી ઓરવણા માટે પાણી આપવા કોઈ માંગણી જ આવી નથી. જો સિંચાઈ સમિતિની માંગણી આવશે તો પાણી અપાશે.
ક્યા ડેમમાં હજુ કેટલું પાણી ?
જિલ્લાના વડીમાં 14.51, ઠેબીમાં 20.38, ધાતરવડી-1માં 43.35, ધાતરવડી- 2માં 27, ખોડિયારમાં 57, મુંજીયાસરમાં 53.87, વડીયામાં 11.94, શેલ દેદુમલમાં 38.78 અને રાયડીમાં 5.48 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સુરજવડી ડેમ તળિયા ઝાટક
સાવરકુંડલા તાલુકામાં આવેલ સુરજવડી ડેમમાં અત્યારે તળીયા ઝાટક છે. આ ડેમમાંથી આ સીઝનમાં સિંચાઈ કરવામાં આવેલ છે. બીજી તરફ રાજુલામાં આવેલ રાયડી ડેમમાં અત્યારે ડેમનું રીસ્ટોરેશનનુ કામ શરૂ હોવાથી તેમાં 5.48 ટકા જ પાણીનો જથ્થો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.