ચૂંટણી:જિલ્લાની 490 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 19મી ડિસેમ્બરે થશે મતદાન

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 38 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી પણ યોજાશે : 29મીએ જાહેરનામું બહાર પડતા જ ફોર્મ ભરવાનું શરૂ થશે

ચૂંટણીપંચ દ્વારા આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં 490 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત 38 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. જેના માટે 29મીએ જાહેરનામું બહાર પડાશે.

અમરેલી જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે આજે ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યની સાથે જ અમરેલી જિલ્લામાં પણ આગામી 29મી તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. અમરેલી જિલ્લામાં કુલ 528 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. જે પૈકી 490 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી થવાની છે. જ્યારે 38 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થવાની છે.

ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો તારીખ 4 ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ ભરી શકશે. જ્યારે છ ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. અને 7 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 19મી તારીખે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યાં જરૂર પડશે ત્યાં 20મી તારીખે પૂન:મતદાન થશે અને 21મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં લાંબા સમયથી ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ચૂંટણી લડવા ઇચ્છુકોએ પાછલા ત્રણ ચાર માસથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે ચૂંટણીના પડઘમ વાગતાં જ ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ગરમાયું છે.

સૌથી વધુ ગ્રા. પં.માં અમરેલી જિલ્લો ત્રીજા ક્રમે
સમગ્ર રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની જ્યાં ચૂંટણી થવાની છે તેવા જિલ્લામાં અમરેલી જીલ્લો ત્રીજા ક્રમે છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 653 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારબાદ રાજકોટ જિલ્લામાં 548 ગ્રામ પંચાયતની અને અમરેલી જિલ્લામાં 528 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...