ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે અમરેલીની પાંચ બેઠકો પર મતદાન યોજાયું હતું. જિલ્લામાં સરેરાશ 57.06 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ રાજુલા બેઠક પર 63.30 અને સૌથી ઓછુ ધારીમાં 52.70 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી બેઠક પર 55.76 ટકા, લાઠી બેઠક પર 58.66 ટકા અને સાવરકુંડલા બેઠક પર 54.18 ટકા મતદાન નોંધાયુ છે. અમરેલીમાં આજે મતદાન દરમિયાન કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી ચર્ચામાં આવ્યા હતા. જેમણે સાઇકલ પર ગેસની બોટલ સાથે લઇ જઇને મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા મહાદેવના દર્શન કરીને મતદાન કર્યું હતું. તો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ હાર્દિકને સલાહ આપતા જણાવ્યું હતું કે, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે, નહીં તો નુકશાન થશે.
દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી
અમરેલી બેઠક પર સરેરાશ 55.76 ટકા મતદાન થયું છે. અહિંયા હાર્દિક પટેલને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સલાહ આપતા જણાવ્યું હતું કે, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે, નહીં તો નુકશાન થશે. ભાજપની વિચારધારા સાથે ના જોડાય તો સસ્પેન્ડ પણ કરાય છે. ભાજપમાં વાલીયો લૂંટારો પણ આવે તો વાલ્મિકી બની જાય છે. ભાજપનું ભવિષ્ય સારું છે, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે. અમરેલી બેઠક પર આ વખતે ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી મેદાને છે. આ બેઠક પર કુલ 16,27,980 મતદારો છે જેમાં 8,43,668 પુરુષ, 7,84,291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અહીં લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે.
ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું
સાવરકુંડલા બેઠક પર સરેરાશ 54.18 ટકા મતદાન નોંધાયું છે. વહેલી સવારથી અહીં મતદાન ધીમી ગતિએ થયું હતું. જોકે, બપોર પછી તેજ ગતિએ ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર વખતે ભાજપમાંથી મહેશ કસવાલા, કોંગ્રેસમાંથી પ્રશાંત દુધાત અને આમ આદમી પાર્ટીમાંથી ભરત નાકરાણી મેદાને છે. સાવરકુંડલા પંથકમાં પાટીદારોનું જોર છે. વર્તમાન સમયે સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત જવાબદારી સંભાળી રહ્યા છે.
રાજુલા બેઠક પર સૌથી વધુ મતદાન
જિલ્લામાં સૌથી રાજુલા બેઠક પર 63.30 ટકા મતદાન નોંધાયું છે. અહીં વિકલાંગ અને વૃદ્ધોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું. તો પ્રભુતામાં પગલા પાડ્યા પહેલા દંપતીએ પણ મતદાન કર્યું હતું. આ વખતે અહીં ભાજપમાંથી હીરા સોલંકી, કોંગ્રેસમાંથી અંબરિશ ડેર અને આમ આદમી પાર્ટીમાંથી ભરત બદલણિયા મેદાને છે. આ બેઠક પર 1998થી 2012 સુધી ભાજપે શાસન કર્યું છે. મહત્વની વાત એ છે. આ તમામ 4 ટર્મમાં હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીએ જીત મેળવી હતી. જોકે, ગત વિધાન સભા 2017ની ચૂંટણીમાં ભાજપના ‘અચ્છે દિન’નો અંત આવતા આ બેઠક કોંગ્રેસના કબ્જામાં આવી હતી. હાલ આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય છે. રાજુલા બેઠક પર જો જાતિગત સમીકરણો કેવા રચાય છે, તેના વિશે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી મતદારો બહુમતમાં છે. પરંતુ વર્ષ 2017માં હીરા સોલંકીને પોતાના જ સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને ચૂંટણીમાં હાર મળી હતી.એટલું જ નહીં અલ્પેશ ઠાકોરના ઓબીસી આંદોલનની અસર પણ કોળી સમાજ પર અમુક અંશે જોવા મળી હતી. રાજુલામાં નાઘેર આહિર જ્ઞાતિ અને પંચોળી આહીર જ્ઞાતિના મતદારો પ્રભુત્વ પણ ખૂબ વધારે છે.
નવા મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું લાઠી બેઠક પર સરેરાશ 58.66 ટકા મતદાન થયું છે. અહીં નવા મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ વખતે અહીં ભાજપમાંથી જનક તળાવિયા, કોંગ્રેસમાંથી વિરજી ઠુંમર અને આમ આદમી પાર્ટીમાંછી જયસુખ દેત્રોજા સામ સામે છે. કોળી અને લેઉઆ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ 7 અને ભાજપ 4 વખત જીત્યું છે. આ બેઠક પર બાવકુ ઉંધાડ સૌથી વધુ 5 બેઠક પર જીત્યા હતા. તેમનું નામ આ બેઠક પર સૌથી મહત્વનું ગણાય છે. તે સિવાય વિરજી ઠુંમરનું નામ પણ મહત્વનું ગણવામાં આવે છે.લાઠી-બાબરા બેઠકનો 20 વર્ષનો ઈતિહાસ જોઇએ તો 2002માં ભાજપમાંથી બાવકુ ઉધાડ, 2007માં કોંગ્રેસમાંથી બાવકુ ઉધાડ તથા 2012માં કોંગ્રેસમાંથી બાવકુ ઉધાડ અને 2017માં કોંગ્રેસના વિરજી ઠુંમર જીત્યા હતા. લાઠી બેઠક કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ પાસે રહી છે.
જિલ્લામાં સૌથી ઓછુ મતદાન ધારી બેઠક થયું
અમરેલી જિલ્લામાં સૌથી ઓછુ 52.70 ટકા મતદાન ધારી બેઠક પર નોંધાયું છે. આ વખતે અહીં ભાજપમાંથી જે.વી કાકડિયા, કોંગ્રેસમાંથી ડો. કીર્તી બોરીસાગર અને આમ આદમી પાર્ટીમાંથી કાંતિ સતાસિયા મેદાને છે. અહીં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. જે. વી. કાકડિયાને 52.50 ટકા મત મળ્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીને 40.42 ટકા મત મળ્યા હતા.
અમરેલીની પાંચ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને AAPના ઉમેદવાર
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે તમામ બેઠક પર બાજી મારી, 2020ની પેટા ચૂંટણીમાં ભાજપને 1 બેઠક મળી
વર્ષ 2017માં અમરેલી બેઠક કોંગ્રેસના પરેશ ધાનાણી જીત્યા હતા અને ભાજપના બાવકુ ઊંધાડની હાર થઇ હતી. સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના પ્રતાપ દુધાત જીત્યા હતા અને ભાજપના કમલેશ કાનાણીની હાર થઇ હતી.
રાજુલા બેઠક કોંગ્રેસના અંબરીશ ડેર જીત્યા હતા અને ભાજપના હીરા સોલંકીની હાર થઇ હતી. લાઠી બેઠક પર કોંગ્રેસ વિરજી ઠુમર જીત્યા હતા અને ભાજપના ગોપાલ વસ્ત્રાપરાની હાર થઇ હતી. ધારી બેઠક કોંગ્રેસના જે.વી.કાકડીયા જીત્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીની હાર થઇ હતી. જોકે, 2020ની પેટા ચૂંટણીમાં ધારી બેઠક પર ભાજપમાંથી જે.વી.કાકડીયાની જીત થઇ હતી અને કોંગ્રેસ સુરેશ કોટડિયા હાર્યા હતા.
અમરેલી જિલ્લાની બેઠક વાઈઝ 2017માં થયેલું મતદાન
બેઠક | મતદાનની ટકાવારી |
અમરેલી | 63.43 |
ધારી | 60.07 |
લાઠી | 61.93 |
સાવરકુંડલા | 56.44 |
રાજુલા | 66.77 |
ટોટલ | 61.84 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.