લમ્પીનો કહેર:અમરેલીના ચાર તાલુકામાં વાઈરસનું સંક્રમણ વધ્યું, અત્યાર સુધીમાં 529 પશુઓ સંક્રમિત થયા; 20 પશુઓના મોત

અમરેલી6 દિવસ પહેલા
  • જિલ્લાના ચાર તાલુકાના 32 ગામમાં લમ્પીનું સંક્રમણ ફેલાયું
  • અત્યાર સુધીમાં 32 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં પશુઓમાં લંપી નામનો વાઈરસ આવતા પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે. અમરેલી જિલ્લામાં 4 તાલુકા મથકમાં લંપી વાઈરસ હાલ નોંધાયો છે. અમરેલી,લીલીયા,લાઠી,બાબરા વિસ્તારના ગામડામાં વધુ પશુઓમાં લંપી વાઈરસ ફેલાઈ રહ્યો છે.જિલ્લામાં 529 પશુઓ લમ્પીથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 20 પશુઓના મોત નિપજ્યા છે. 32 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના ચાર તાલુકાના 32 ગામોમાં લમ્પી વાઈરસ ફેલાયો
કુલ 529 ઉપરાંત પશુઓ આ લંપી વાઈરસથી સંક્રમિત બન્યા છે. જેને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા સતત રસીકરણ કામગીરી હાથ ધરી રહ્યું છે.સૌથી વધુ લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં વધુ ફેલાય છે અને પશુઓના મોત પણ ત્યાં વધુ થયા છે. કુલ 20 જેટલા પશુઓના આ વાઈરસના કારણે મોત થયા છે અને લંપી વાયરસ અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન અને રસીકરણ માટેની ટીમો પણ ગામડામાં હાલ દોડી રહી છે પરંતુ કેટલાક પશુપાલકોની કિંમતી દૂધ આપતા પશુઓના પણ મોત થતા આર્થિક રીતે નુકસાન થય રહ્યું છે ચાર તાલુકામાં 32 જેટલા ગામડા અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે.

પશુઓના મોત થતા પશુપાલકોને નુકસાન
લીલીયાના ખારા ગામના પશુપાલક અરજણભાઈએ જણાવ્યું આ લંપીના કાળાકેરમાં મારી બે ગીર ગાયો મરી ગઈ છે. ઓછામાં ઓછી એક ગાય મારી 2 લાખ ઉપરાંતની હતી એક ગાય દરરોજનું 12 લીટર ઉપરાંત દૂધ આપતી હાલ અમારી આજીવિકા બંધ થઈ ગઈ છે. જેના કારણે નુકસાન ગયું છે. અધિકારીઓ અને સરકારને વિનંતી અમને વળતર ચૂકવે એવી અમારી માંગ છે.

32 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા પશુપાલન અધિકારી ડી.એલ.પાલડીયા એ જણાવ્યું હાલ 4 તાલુકા અસરગ્રસ્ત છે જેમાં લંપી વાઈરસ અટકાવવા માટે રસીકરણ ચાલી રહ્યું છે. 32000 ઉપરાંત પશુઓને રસીકરણ કરી દીધું છે જ્યારે બીમાર પશુઓ અને તંદુરસ્ત પશુઓને દૂર કરવા માટેની કામગીરી પણ ચાલે છે અને અત્યારે સુધીમાં 20 જેટલા પશુના મોત થયા છે. હાલ રસીકરણ ચાલી રહ્યું છે વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ
અમરેલી જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા 'લમ્પી સ્કીન ડીસીઝ'ને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવાર સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લામાં પશુઓને સુરક્ષિત રાખવા માટે અને આ રોગનું સંક્રમણ પ્રસરતું અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અમરેલી જિલ્લામાં આગામી તા.21/08/2022 સુધી પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી જિલ્લાની હદમાં અંદર અથવા તો બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આ દિવસો દરમિયાન જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવાં પ્રાણીઓના મેળાવડા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનાનો ભંગ કરનાર સામે 'પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઈન એનિમલ્સ એક્ટ-2009અને આઈપીસીની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...