અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામમાં ગંદુ પાણી પીતા એક સિંહનો વીડિયો વાઈરલ થતા સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ન હોવાના કારણે સિંહ ગંદુ પાણી પીતો હોવાનું સામે આવ્યું છે.
અમરેલી જિલ્લામાં હાલ તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ પહોંચી રહ્યો છે. અહીં આકરી ગરમીના કારણે લોકોની સાથે વન્યપ્રાણીઓ પણ અકળાઈ રહ્યા છે. ગીર જંગલમાં ઉનાળા દરમિયાન મોટાભાગના કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા હોય છે. અહીં વસવાટ કરતા વન્યજીવોને પાણી મળી રહે તે માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જો કે, સાવરકુંડલાના ફિફાદ ગામ વિસ્તારમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ન હોવાના કારણે એક સિંહ જમીન પર પડેલું ગંદુ પાણી પાણી પી તરસ છિપાવતો જોવા મળ્યો હતો.
સિંહનો વીડિયો સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામ આસપાસ ખારાપાટ વિસ્તારનો હોવાનુ મનાય રહ્યું છે. આ વીડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થતા પર્યાવરણ પ્રેમી અને સિંહ પ્રેમીઓએ પણ નારાજગી દર્શાવી છે. આ વિસ્તારમાં સિંહો માટે પાણીના પોઇન્ટ શરૂ કરવાની જરૂરિયાત છે અહીં નવા કેટલાક વિસ્તારમાં પાણીના પોઇન્ટ બનાવવા પણ માંગ કરી છે.
અમરેલી જિલ્લા પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, આ દ્રશ્યો વનવિભાગ અને સરકાર માટે શરમજનક કહેવાય. સિંહો તો આપણું ઘરેણુ છે તેની માટે વનવિભાગ એક પાણીની વ્યવસ્થા ન કરી શકે? આ ઉનાળાની ઋતુ માં માણસો પણ પાણી વગર રહી શકતા નથી તો સિંહો કેવી રીતે રહે? રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ઘણી બધી પાણીની કુંડી ઓ ખાલી જ છે વનવિભાગ એ સિંહોનો વસવાટ છે તેવા વિસ્તારમાં સર્વે કરી પાણીના પોઇન્ટ મુકવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.