એક સમયના વિધાનસભાના વિપક્ષના નેતા અને રૂપાલા, સંઘાણી અને ઉંધાડને હરાવી જાયન્ટ કિલર તરીકે જાણીતા બનેલા પરેશ ધાનાણીને તેના જ ગઢમા ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરીયાએ 46 હજાર મતની જંગી લીડથી હરાવી હવે નવા જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામા ગઢના કાંગરા ખરી પડયા છે. ભારતીય જનતા પાર્ટીએ જુના દિગ્ગજોને સાઇડમા રાખી સંગઠનમા મજબુત કામગીરી કરનાર યુવા નેતા કૌશિક વેકરીયાને ધાનાણી સામે ઉતાર્યા હતા.
તીર નિશાના પર વાગ્યુ છે. આજે મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ કૌશિક વેકરીયાને લીડ મળવાનુ શરૂ થયુ હતુ અને અંતિમ રાઉન્ડ પુર્ણ થતા સુધીમા 46377ની લીડથી તેમનો જંગી વિજય થયો હતો. અમરેલી જિલ્લાના ઇતિહાસમા ભુતકાળમા વિધાનસભાના કોઇ ઉમેદવારને આટલી જંગી લીડ મળી નથી.
કોંગ્રેસ અમરેલી જિલ્લાની પાંચેય સીટ ધાનાણીના સહારે જીતવા માંગતી હતી. પરંતુ પરેશ ધાનાણી ખુદ પોતાની સીટ બચાવી શકયા ન હતા. અને ગણતરી પુરી થાય તે પહેલા જ હાર કબુલી હતી. વિજેતા કૌશિકભાઇ વેકરીયાનુ અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતુ. અમરેલી સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રવિ ધાનાણીએ 26445 મત મેળવ્યા હતા. વેકરીયાની લોકપ્રિયતા ઇવીએમમા સ્પષ્ટ બોલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.