કરા સાથે કમોસમી વરસાદ:અમરેલીના ખાંભા,સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા

અમરેલી2 મહિનો પહેલા
  • કમોસમી વરસાદના કારણે ગરમીમાં તો રાહત મળી પણ ખેડૂતોની ચિંતા વધી
  • ઘનશ્યામનગરમાં છાપરા ઉડતા ઘરોમાં પાણી ઘૂસ્યા

રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે.

ગરમીના કહેર વચ્ચે વરસાદી કહેર
અમરેલી જિલ્લામાં હાલ સરરેશા 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.

જિલ્લાના કયા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો?
અમરેલી સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો.

કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ
જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસેલા કરમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.

ભાવરડીમાં ધોધમાર વરસાદ
ખાંભા તાલુકાના ડેડાણ, ભાવરડી તથા આસપાસના વિસ્તારમા કરા સાથે વરસાદ પડયો હતો. જયારે ભાવરડીમા તો ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેના કારણે ગામની શેરીઓમા પાણી દોડવા
લાગ્યા હતા.

તાપમાન 3 ડિગ્રી જેટલું નીચે ગયું
આજે સવારથી તો ઉકળાટ જ અનુભવાતો હતો. સાથે સાથે બપોરનુ તાપમાન ગઇકાલ કરતા 3 ડિગ્રી જેટલુ નીચે ગયુ હતુ. અમરેલીમા આજે મહતમ તાપમાન 41.6 ડિગ્રી જયારે ન્યુનતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયુ હતુ. હવામા ભેજનુ પ્રમાણ વધીને 80 ટકા થયુ હતુ. જયારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 10.8 કિમીની રહી હતી.

કેરીના પાકને નુકસાનની ભીતિ
સાવરકુંડલા અને ખાંભા તાલુકામા કેસર કેરીની વ્યાપક પ્રમાણમા ખેતી કરવામા આવે છે. હાલમા માવઠાનો માહોલ સર્જાયો છે અને ભારે આંધી સાથે વરસાદ પડયો છે. ત્યારે કેરી પકાવતા ખેડૂતોમા ચિંતા વધી છે. આ માહોલ આગામી એક બે દિવસ ચાલુ રહેશે તો કેરીના પાકને નુકશાન થશે.

અન્ય સમાચારો પણ છે...