ગુજરાતના સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાના કારણે હવે સ્થિતિ અત્યંત વધુ ખરાબ બની રહી છે. એક સપ્તાહથી પડી રહેલા વરસાદની ગતિ હવે વધી છે. પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી સમગ્ર વિસ્તારના ખેડૂતો ઉપર તારાજી સર્જી દીધી છે. હાલમા અમરેલી,,ખાંભા, રાજુલા,સાવરકુંડલા, ધારી, બગસરા સહિત વિસ્તારોમાં વ્યાપક નુકસાનના કારણે મોટાભાગનો પાક ખેડૂતોનો સદંતર નિષફળ જવાના આરે છે. બપોરબાદ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડુતોના પાક મોટાભાગે પલળી ગયા છે અને ધરતી પુત્રો બે હાલ બન્યા છે. બાગાયતી ખેતીમાં પણ નુકસાન ગયું છે. તમામ પાકોમાં ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે. જેમા ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી,અમરેલી સહિત ખેડૂતોના ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં 10 દિવસ સુધી વરસાદ વિરામ લે પછી ખેડૂતો પોતાના ખેતરોમાં પ્રવેશી શકશે.
ખાંભા તાલુકાના ત્રાકુડા ગામના ઘનશ્યામભાઈ દુધાતએ જણાવ્યું હતુ કે, ડુંગળી, ચણા, જીરું અને કપાસ આમ તો ખેત જણસમાં બધામાં 70% ઉપરાંત નુકસાન છે. આ વર્ષે તો નાશ થયુ તેવું ગણાય અને સરકારને મારી વિનંતી છે સહાય આપે તો ખેડૂત જલ્દી બેઠો થશે. રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશભાઈ વસોયા જણાવ્યું હતું કે, આ વરસાદથી ખેડૂતોને લગભગ કાઇ રહ્યું જ નથી, એટલું મોટું નુકસાન છે. જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે ખૂબ નુકસાન છે. સરકાર ઝડપથી યોગ્ય રીતે ખેડૂતોને સહાય આપે તે જરૂરી છે. કેમ કે ખેડૂતોની હાલત અત્યારે અત્યંત ખરાબ બની છે જેથી નુકસાન પણ ઘણું મોટું થયું છે.
ખાંભાના ડેડાણ, ત્રાકુડા, હનુમાન ગાળા, નાના મોટા બારમણ, ભૂંડણી સહિત ગામડામાં વધુ વરસાદ પડવાના કારણે અહીં ખેડૂતોના ખેતરો પાણીથી ભરાય ઉઠ્યા હતા અને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ ગયું છે. એવી જ રીતે રાજુલા તાલુકાના ખારી, બાબરીયાધાર, વાવેરા, ખેરાળી, બર્બટાણા, જાપોદર, ડરડી, દીપડીયા, કાતર,કોટડી સહિત આસપાસના મોટાભાગના ગામડામાં વરસાદ પડતાં ખેડૂતોના ખેતરો જળબબાકાર થયા છે. જેના કારણે ખેડૂતોને વધારે નુકસાન ગયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જાફરાબાદના નાગેશ્રી, કાગવદર, ભટવદર, સરોવડા, બાલાનીવાવ, ખાલસા કથારીયા, હેમાળ, દુધાળા, છેલણા, ટીબી, મીઠાપુર,ચોત્રા, સહિત ગામડામા પાણી ભરાયા હોવાને કારણે વધુ નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.