ગુજરાતમાં માર્ચમાં માવઠાં:રાપર પાસે વીજળી પડતાં યુવાનનું મોત, અમરેલી પંથકમાં ભરચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં રાત્રે ગાજવીજ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર આજે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. અમરેલી જિલ્લામાં તો ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. રાત્રે નવ વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ રહી છે અને ગડગડાટીનો અવાજ સંભળાય છે. ખાસ કરીને એસ.જી.હાઇવે, સરખેજ વિસ્તારમાં ઠંડો પવન પણ ફૂંકાય છે. દરમિયાન કચ્છના રાપરમાં વીજળી પડવાથી યુવાનનું મોત થયું છે.

રાપર તાલુકાના જાટાવાડા ગામે વીજળી પડતાં યુવાનનું મોત
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટાં વરસ્યાં છે સાથે કચ્છ પંથકમાં પણ ગાજવીજ સાથે માવઠાં વરસ્યા છે. દરમિયાન રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક આવેલા કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરેથી ઘરે આવવાની તૈયારી કરતા ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી (ઉ. વ. 26) પર વીજળી પડતાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનને ત્રણ વર્ષની અને દોઢ વર્ષની દીકરી છે.

ખેડૂતોને પાકોમાં નુકસાન જવાની ભીતિ
ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં આવતા ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ ધરતી પુત્રોમાં જોવા મળી રહી છે.

ભાવનગરનું તાપમાન ઘટ્યું
બીજી તરફ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જિલ્લાના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મહત્તમ તાપમાન 37.3 ડીગ્રી રહેવા પામ્યુ હતુ. માવઠાની અસરના પગલે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પાંચ ડિગ્રી નીચે ગયું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના આજુબાજુના વિસ્તાર તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઇને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પણ ગગડ્યું છે. સામાન્ય તાપમાનથી પાંચ ડિગ્રી તાપમાન નીચું ગયું છે. ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં માવઠાનો વરસાદ સુરેન્દ્રનગરમાં ખાબકતા હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. હાલમાં ખેડૂતો દ્વારા જીરું તૈયાર થઈ ગયું હોય તો ખેતરમાં સલો કરી અને જીરું બહાર કાઢવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરિયાળી અને ધાણા જેવા પાકો પણ તૈયાર થઈ ચૂક્યા છે. તે પણ હાલમાં ખેતરમાં પડ્યા છે. ત્યારે વરસાદ અચાનક ખાબકતા અને માવઠું વરસતા આ પાકોને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને લઈને ખેડૂતોનું ઉત્પાદન પણ બગડ્યું હોય તેવુ સામે આવ્યું છે.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. સતત ચોથા વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેત પેદાશો તેમજ અન્ય જે ઉત્પાદિત વસ્તુઓ છે, તે સલામત સ્થળે રાખવા માટે પણ ખેડૂતોને અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...