બંધ ઘરમાં લાખોની ચોરી:અમરેલીમાં અજાણ્યા ઈસમો દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર; પરીવાર લગ્નમાં વ્યસ્ત હતો અને ચોરો ચોરી કરવામાં

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરેક જિલ્લામાં દિવસેને દિવસે ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરોને જાણે કાયદા કાનૂનનો કોઈ ડર રહ્યોજ ન હોય તેમ બેધડક ચોરીને અંજામ આપે છે. લોકો દિવસ રાત મજૂરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે ચોરો આ પરસેવાની કમાણીને સેકન્ડોમાં ચૂલ કરી જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં એક પરિવાર લગ્નમાં વ્યસ્ત હતો અને ચોરો પાછળથી ચોરી કરીને નાસી છુટ્યા હતા.

મકાનનું તાળુ તોડી ચોરીને અંજામ આપ્યું
​​​​​​​
મળતી માહિતી મુજબ, ફરિયાદી નઝમાંબેન ઉમરભાઈ માલવીયા રહે. સરીગામ, તા. ઉમરગામ જિ. વલસાડનાઓએ હકીકત જણાવતા કહ્યુ કે, આ કામના અજાણ્યા ચોરોએ મારી નણંદના બંધ રહેણાંક મકાનમાં તા. 23/11/2022ના સાંજે 7 વાગ્યાથી તા. 24/11/2022ના રાત્રીના 3 વાગ્યા દરમિયાન મકાનનું તાળુ તોડી રહેણાંક મકાન અંદર પ્રવેશી રૂમના કબાટમા લોકરમાં રાખેલા જુદા જુદા સોનાના દાગીના તથા કુલ રોકડ રકમની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી નાશી છુટ્યા હતા. જે બાબત અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદી આધારીત ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ઘરી છે.

પરીવાર રીશેપ્સનમાં, ચોર ઘરમાં
​​​​​​​
પોલીસ ચોપડે નોંધાયેલી સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, નઝમાંબેને પોલીસને એફઆઈઆરમાં જણાવ્યા મુજબ તેઓ તા. 19/11/2022ના રોજ એમની નણંદના દેરાણીના યાસ્મીનબેન અલ્તાફભાઈ મહીડા જે અમરેલી, ભાટીયા શેરીમાં રહેતા હોય તેના બે દિકરાના લગ્ન હોય પરીવાર સાથે લગ્ન કરવા માટે આવેલા હતા. જ્યાં ભાટીયા શેરીમાં રહેતા જમીલાબેન મહમદભાઈ મહીડાના ઘરે રોકાયેલા અને લગ્નવિધી પત્યા બાદ ગઈ તા. 23/11/2022ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે અમરેલી-ફતેપુર રોડ પર આવેલી નંદનવન પાર્ટી પ્લોટમાં રીશેપ્સન હતું. જ્યા બધા મહમદભાઈના ઘરેથી રીશેપ્સનમાં જવા નિકળ્યાં હતા.

રૂમમાં જોયું તો બધા થેલા વેરવિખેર પડ્યા હતા
​​​​​​​
રીશેપ્સન પતાયા બાદ જમીલાબેનના ઘરે પરત આવ્યા હતા. જે ગેટની ચાવી નઝમાંબેન જોડે હોવાથી એમણે તાળું ખોલ્યું હતું. ત્યારબાદ અંદર આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની અંદરની રૂમમાં જોતા બધા થેલા વેરવિખેર પડ્યા હતા. જ્યાં નઝમાંબેને એમના દાગીના જમીલાબેનના લોકરમા રાખેલા હતા. જે મળી આવ્યા ન હતા. બધા મહેમાનોના દાગીના ન મળી આવતા તેમજ રોકડ રકમ પણ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હોવાની જાણ નઝમાંબેને એમના પતિને કરતા તેઓ તરતજ દોડી આવ્યા હતા.

પોલીસે આગળની તપાસ હાથ ધરી
આમ, સોનાના દાગીનાની કિં. રૂ. 18 લાખ 5 હજાર તથા રોકડ કિં. રૂ. 73 હજાર મળી કુલ કિં. રૂ. 18 લાખ 78 હજારના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ઈસમોએ ઘરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી નાશી છુટ્યા હતા. જે બાબતે અમરેલી શહેર પોલીસમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...