અમરેલી જિલ્લામા ગેરકાયદે હથિયારોનુ પ્રમાણ સતત વધી રહ્યું છે. પોલીસ છુટાછવાયા હથિયારો પકડે છે પરંતુ હથિયારોની વાસ્તવિક સંખ્યા ઘણી મોટી હોવાનુ કહેવાય છે. આજે અલગ અલગ બે ઘટનામા સાવરકુંડલાના બે શખ્સોને દેશી બંદુક અને પીસ્તોલ સાથે ઝડપી લેવાયા હતા.
હાલ લીલીયાના હનુમાનપરામા રહેતો અને મુળ સાવરકુંડલાના ખાટકીવાડ યાસીન હબીબ ચૌહાણ (ઉ.વ.21) નામનો શખ્સ ગેરકાયદે હથિયાર રાખે છે તેવી બાતમીના આધારે અમરેલી એલસીબીના પીઆઇ આર.કે.કરમટા તથા પીએસઆઇ પી.એન.મોરીની ટીમે ચલાલા બસ સ્ટેન્ડ બહાર વોચ ગોઠવી યાસીન ચૌહાણને ઝડપી લીધો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની લોખંડની ફ્રેમવાળી પીસ્તોલ મળી આવી હતી. તેની સામે પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આ ગેરકાયદે હથિયાર કોની પાસેથી મેળવ્યુ અને તેનો શું ઉપયોગ કરવાનો હતો વિગેરે બાબતની પુછપરછ હાથ ધરી છે.
આ શખ્સ બે વર્ષ પહેલા પણ ખાંભા પોલીસ મથકમા હથિયાર સાથે ઝડપાયો હતો. ઉપરાંત લીલીયામા તેની જુગારધારા હેઠળ ધરપકડ કરાઇ હતી. આવી જ રીતે સાવરકુંડલામા મારૂતીનગરમા રહેતા અને મજુરીકામ કરતા દાઉદ કાળુભાઇ મોરી (ઉ.વ.22) નામના શખ્સ પાસે પણ દેશી બંદુક હોવાની બાતમીના આધારે તેના ઘરે દરોડો પાડી પોલીસે તેની પાસેથી દેશી જામગરીવાળી હાથ બનાવટની એક દેશી બંદુક કબજે લીધી હતી. તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી સાવરકુંડલા પોલીસના હવાલે કરવામા આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.