જાગરૂકતા:રાજુલામાં ગટરના નબળા કામ અંગે સરકારી તંત્રને બે વકિલની નોટીસ

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા હોવા છતા પ્રજા મૌન હતી
  • પ્રથમ વખત કોઇએ જાગરૂકતા બતાવી તંત્રનું નાક દબાવ્યું

રાજુલા શહેરમા કોર્ટની સામેથી લઇ આહિર સમાજના ગેઇટ સુધી ગટરનુ કામ ચાલે છે. ગટરના આ કામમા ખુદ સરકારી નાયબ કલેકટરના સરકારી આવાસનો વિસ્તાર, નાયબ કાર્યપાલક ઇજનેરના સરકારી આવાસનો વિસ્તાર, સરકારી કવાર્ટર તથા શ્રીજી સોસાયટીમા ગટરના પાણી ઘુસી જાય તેવુ નબળુ કામ થતુ હતુ. યોગ્ય ઉંડાઇના અભાવે અહી ચારે તરફ ગટરના પાણી ઉભરાઇ છે. આ મુદે અહીના એડવોકેટ અરવિંદભાઇ ખુમાણ તથા એસ.એસ.રાઠોડ (હેમુભાઇ રાઠોડે) શહેરી વિભાગના અગ્રસચિવ અને જવાબદાર તંત્રને કાનુની નોટીસ આપી હતી.

જેના કારણે નાયબ કલેકટર, સરકારી આવાસ અને ઇજનેરના સરકારી આવાસ સામેનુ કામ રોકી દેવાયુ હતુ.જો કે અહી રાજમંદિરથી લઇ શ્રીજી સોસાયટીમા કામ કરાયુ હોય આ વિસ્તારમા ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર આવી જાય છે. જેના કારણે આસપાસના દુકાનદારો તથા આસપાસની સોસાયટીના લોકો દુર્ગધથી ત્રાસી ઉઠયાં છે.

લોકોને ગટરના પાણીમાથી ચાલવુ પડે છે. અને રોગચાળાનો મોટો ખતરો છે. જેને પગલે આ બંને વકિલોએ ફરી એકવાર સરકારી તંત્રને નોટીસ પાઠવી છે. ભ્રષ્ટાચારના લીધે લોકોના પૈસાનુ પાણી થઇ રહ્યું હોય અને કોઇ અકળ કારણે પ્રજામાથી પણ અવાજ ઉઠતો ન હોય બંને વકિલોએ આગળ આવી તંત્રનુ નાક દબાવ્યું છે.

કયા કયા વિસ્તારમાં રસ્તા પર આવે છે ગટરના પાણી ?
રાજુલામા રાજમંદિર આસપાસના વિસ્તાર ઉપરાંત શ્રીજીનગર સોસાયટી, ગોકુળનગર સોસાયટી અને સરકારી આવાસો સહિતના વિસ્તારમા ગટરના પાણી રસ્તા પર આવી રહ્યાં છે.

અગાઉ પણ છેક વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો હતો
અહીના બે વકિલોએ તંત્રને બે નોટીસ આપવા ઉપરાંત આ મામલે છેક શહેરી વિકાસ કમિશ્નર અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરાઇ હતી. એટલુ જ નહી આ મામલો વિધાનસભામા પણ ઉઠયો હતો.

એજન્સીના નાણાં પણ અટકાવવા માંગ
બંનેએ રાજુલામા ગટરનુ નબળુ કામ કરનાર એજન્સી સામે પગલા લેવા માંગ કરી જયાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી એજન્સીનુ પેમેન્ટ અટકાવવા પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...