સમગ્ર સૌરાષ્ટ્રમા આજથી ગીધની વસતિ ગણતરીનો આવતીકાલથી આરંભ થશે. રાજુલા જાફરાબાદ પંથકમા સફેદ પીઠવાળા ગીધની વસાહતો જોવા મળે છે. ત્યારે આ વિસ્તારમા પણ આવતીકાલથી ગીધની વસતિ ગણતરી શરૂ કરવામા આવશે.
સરકારી તંત્ર દ્વારા આ વિસ્તારમા ગીધની વસતિ ગણતરી ગીર ફાઉન્ડેશન તથા પ્રકૃતિ પ્રેમીઓની મદદથી કરવામા આવશે. રાજુલા વિસ્તારમા જાપોદર, ખાખબાઇ, નાગેશ્રી વિગેરે ગામોમા ગીધની વસાહતો જોવા મળે છે. જયાં આગામી 11 તથા 12મી ડિસેમ્બરના રોજ ગીધની વસતિ ગણતરી કરવામા આવશે.
આ વિસ્તારમા સફેદ પીઠવાળા ગીધ વસવાટ કરી રહ્યાં છે જે કુદરતી સફાઇ કામદાર તરીકેનુ કામ કરે છે. અહી મરેલા માલઢોર અને સડેલુ માંસ પણ આ ગીધ ખાઇ જાય છે. અને પ્રકૃતિને સાફ રાખે છે. ગીધનુ પેટ ગમે તેવુ સડેલુ માંસ પચાવવા માટે સક્ષમ છે.
આ વિસ્તારમા સાવજોની પણ વસતિ છે. સાવજોના વધેલા મારણ પર પણ ગીધના ટોળા ઉતરી આવે છે. અહી સાવજોની વસતિના કારણે ગીધની વસતિ પણ વધી રહી છે. માંસ ખાઇ રહેલા ગીધને સામાન્ય રીતે કુતરા, શિયાળ, ભુંડ વિગેરે પ્રાણીઓ હેરાન કરતા હોય છે. પશુઓને આપવામા આવતા ઇંજેકશનના કારણે પશુઓનુ માંસ ખાનાર ગીધ મોતને ભેટે છે. હવે અહી રાજુલા નેચર કલબના પ્રમુખ વિપુલ લહેરી, મનસુખભાઇ વાઘેલા, ચેતનભાઇ ઠાકર, ઉપપ્રમુખ પ્રવિણભાઇ ગોહિલ વિગેરે આ ગણતરીમા કામે લાગશે.
અહીંના ગીધ ખોરાક માટે પાલિતાણા-ભાવનગર અને જૂનાગઢ સુધી જાય છે
અહીની વસાહતોમા રહેતા ગીધ ખોરાક માટે છેક પાલિતાણા, ભાવનગર અને જુનાગઢ સુધી ઉડાન ભરે છે. આ ગીધ શિકારની શોધમા નીકળે એટલે 10 હજાર ફુટની ઉંચાઇએ પણ પહોંચી જાય છે.
ઉંચા ઝાડ પર માળો : વર્ષે 1 ઇંડુ આપે છે
અહી સફેદ પીઠવાળા ગીધ દરિયાકાંઠા વિસ્તારમા નાળીયેરી, પીપળો જેવા ઉંચા વૃક્ષો પર માળો બનાવી બચ્ચાને જન્મ આપે છે. માદા ગીધ વર્ષમા એકવાર ઇંડુ આપે છે. જેથી તેની વસતિ ધીમે વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.