એસટીની 185 બસ ફાળવાઇ:દિપાવલીમાં અઢી લાખ લોકો વતનમાં ઠલવાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી મુસાફરોને અમરેલી લાવવા એસટીની 185 બસ ફાળવાઇ : દાહોદ ગોધરાના ટ્રાફિકને પહોંચી વળવા પણ 100 બસ ફાળવાઇ
  • સરકારી સિવાય ખાનગી બસોમાં પણ મુસાફરો વતન તરફ પ્રયાણ કરશે

દિપાવલીનો તહેવાર માથે છે અને અમરેલી જિલ્લામાથી મોટી સંખ્યામા લોકો રાજયના અન્ય વિસ્તારમા ધંધાર્થે વસેલા છે ત્યારે દિપાવલીના આ તહેવાર પર અઢી લાખ લોકો વતનમા આવશે. આ ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી દ્વારા 285 બસો અત્યારથી જ ફાળવી દેવાઇ છે. બીજી તરફ ખાનગી વાહનોમા પણ ચીક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાથી ધંધાર્થે વસનારા સૌથી વધુ લોકોની સંખ્યા સુરતમા છે. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોમા પણ મોટી સંખ્યામા યુવા વર્ગ ધંધાર્થે સ્થાયી થયેલો છે. જે લોકો દિપાવલીનો તહેવાર હંમેશા વતનમા ઉજવે છે. વર્ષના અન્ય દિવસોમા જે ગામડાઓ ખાલીખમ લાગતા હોય તે ગામડાઓ દિપાવલીના દિવસોમા હર્યાભર્યા લાગે છે.

તો બીજી તરફ ગ્રામિણ વિસ્તારમા ખેત મજુરીના કામ અર્થે દાહોદ ગોધરા અને રાજસ્થાન, એમપીથી મોટી સંખ્યામા મજુરો કામ કરે છે. આમ તો આ મજુરો હોળીના તહેવાર પર અચુક વતનમા જાય છે પરંતુ મોટાભાગના મજુરો દિપાવલીના તહેવારમા પણ વતનમા જાય છે.

સુરતમા હિરાના કારખાનાઓ અને લુમ્સ વિગેરેમા રજાઓ પડવા લાગતા સુરતથી અમરેલીનો ટ્રાફિક વધ્યો છે. ખાસ કરીને આવનારા ચાર દિવસમા તો આ ટ્રાફિક તેની ચરમસીમા પર હશે. જેને પહોંચી વળવા માટે એસટી દ્વારા વિશેષ બસો દોડાવવાની યોજના બનાવાઇ છે. માત્ર સુરતથી અમરેલી સુધી પેસેન્જરો લાવવા માટે જ 185 બસો ફાળવી દેવામા આવી છે. અને હજુ જરૂર પડશે તો વધારાની બસો ફાળવાશે. એટલુ જ નહી અમરેલી જિલ્લામાથી દાહેાદ ગોધરા તરફ જતા મુસાફરોના પ્રવાહને પહોંચી વળવા માટે એસટી દ્વારા તે દિશામા પણ અમરેલીથી 100 બસો દોડાવવામા આવશે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમા પણ વધારાની બસો દોડશે.

બીજી તરફ અત્યાર સુધી ખાનગી બસોમા જોવા મળતો ન હતો. પરંતુ તહેવાર માથે આવતા જ ખાનગી બસો પણ ચીક્કાર દોડવા લાગી છે. બલકે વતનમા આવતા લોકો પૈકી સૌથી વધુ લોકો ખાનગી બસોમા જ આવે છે.

25મી તારીખ સુધી દોડશે ખાસ બસો
એસટી દ્વારા મુસાફરોની માંગ અને ટ્રાફિકને ધ્યાને લઇ આ બસો શરૂ કરાઇ છે જે આગામી 25મી તારીખ સુધી દોડતી રહેશે. ઉલ્લેખનીય છે કે આવવા માટેનો ટ્રાફિક દિપાવલીના એકાદ સપ્તાહ પહેલા જ શરૂ થાય છે. જયારે પરત જવાનો ટ્રાફિક લાંબા સમય સુધી છુટોછવાયો ચાલતો હોય દિપાવલી પછી તેના માટે એકસ્ટ્રા બસો દોડાવવાની જરૂર રહેતી નથી.

ગોધરાથી બસ સીધી સુરત મોકલાશે
એસટી દ્વારા બંને તરફના ટ્રાફિકને પહોંચવા બેવડુ આયોજન કરાયુ છે. અમરેલીથી દાહોદ ગોધરા તરફ જે બસને દોડાવવામા આવશે તે બસને ત્યાંથી સુરત મોકલી દેવામા આવશે અને સુરતથી અમરેલી સુધી દોડાવવામા આવશે.

અમદાવાદ માટે પણ એકસ્ટ્રા બસો
અમદાવાદ અને બાપુનગરમા પણ સૌરાષ્ટ્રના લોકો મોટા પ્રમાણમા ધંધાર્થે સ્થાયી થયા છે. અમરેલીના વતનીઓને અમદાવાદથી અમરેલી લાવવા દરરોજ 15 એકસ્ટ્રા બસ દોડાવવા એસટીએ આયોજન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...