રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રભરમાં અન્ય શહેરમાં રહેતા લોકો પોતાના વતને મતદાન કરવા આવતા હોય છે. ત્યારે આજે રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ સ્પીડે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જતા 3 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકો ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 39 વર્ષ, કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 33 વર્ષ તેમજ ભાગુબહેન મનુભાઈ ગુર્જર 55 વર્ષનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને 2 પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે.
ઘટના બાદ પોલીસ દોડી
ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસ અધિકારીઓએ હાલમાં તપાસ શરૂ કરી છે. તેમજ મોડી રાત સુધીમાં અકસ્માતનો ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.
પરિવાર મતદાન કરી વલસાડ જતો હતો
મૃતકો સહિત ગુર્જર પરિવાર પ્રથમ ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયો હતો. ત્યારબાદ તેઓ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવ્યા હતા. ત્યાંથી પરત વલસાડ જતા સમયે આ અકસ્માત સર્જાતા પુત્ર તેમજ પત્ની વિહોણા પતિ મનુભાઈ ઉપર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.