મેઘમહેર:અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ, રિંગણીયાળા ગામ નજીક ઘાણો નદીમાં પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • રાજુલા તાલુકામાં અવિરત મેઘમહેર યથાવત

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેસરના કારણે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે અમરેલી જિલ્લામાં 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ સમગ્ર જિલામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે.

ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે
રાજુલા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજુલા તાલુકાના રિંગણીયાળા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કોઝવે પર પાણી ફરી વળતા થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ઘાણો નદીનું પાી ધાતરવડી-2 ડેમમાં જઈ રહ્યું હોવાના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.

રાજુલા જાફરાબાદ વચ્ચેના ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખાખબાઈ,સરોવડા,બારપટોળી,હિંડોરણા, છતડીયા,સહિત કેટલાક ગામમાં અહીં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં વરસાદના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોના પાકને સીધો ફાયદો થશે.

જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ
અમરેલી જિલ્લામાં લાઠી પંથકમાં મુશળધાર મેઘ સવારી થઈ હતી. લાઠીના હરસુરપુર,દેવળીયા,શેખ પીપરિયા,હીરાણા,ચાવન્ડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હીરાણા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ ઉપર પાણી ફરી વળ્યાં અને ભિગરાડ વોકળામાં પૂર આવ્યું હતું. દામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરમાં પાણી ભરાયા હતા. તો બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.ધારી ગીર પંથકના ગામડામાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ધારગણી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...