અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વસવાટ કરતા એશિયાટિક લાયન ગુજરાતનું ઘરેણું છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિંહના જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર આંટાફેરાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ક્યારેક પજવણીના વીડિયો પણ વાઈરલ થાય છે. હાલ પણ અમરેલીના જાફરાબાદના રેવન્યુ વિસ્તારમાં સિંહની પાછળ જેસીબી દોડાવી પજવણી કરાતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જે વીડિયોના આધારે વનવિભાગે પજવણી કરનારા ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મારણ આરોગી રહેલા સિંહને ભગાડ્યો
અમરેલીના જાફરાબાદ તાલુાકના લુણસાપુર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ મારણ કરી આરોગી રહ્યો હતો ત્યારે જ નજીકમાં જેસીબી લઈ કામ કરી રહેલા ત્રણ શખ્સોએ સિંહની પાછળ જેસીબી દોડાવ્યું હતું. પજવણી કરનાર શખ્સો આટલેથી ન અટક્યા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો.
વાઈરલ વીડિયોના આધારે વનવિભાગ આરોપીઓ સુધી પહોંચ્યું
સિંહની પજવણીનો વીડિયો વાઈરલ થયા બાદ શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલે રાજુલા વનવિભાગને રેન્જને તપાસનો આદેશ આપ્યો હતો. સિંહ શિડ્યુલ-1નું પ્રાણી હોઇ રાજુલા વનવિભાગ દ્વારા મનોજ જોધાભાઈ વંશ, શુભમ પ્રજાપતિ, રાના માનિક કાલિતા નામના ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલાં સાસણમાં ત્રણ સિંહની પજવણી કરાઈ હતી
અમરેલીની માફક થોડા દિવસ પહેલાં સાસણમાં પણ ત્રણ સિંહની પજવણીનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કારના બોનેટ પર બેસી સિંહની પાછળ દોડાવવામાં આવી હતી. આ વીડિયો બાદ જૂનાગઢ વનવિભાગ દ્વારા રાજસ્થાનના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી અટકાયત કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.