તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તાઉ-તે’એ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જી:સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભારે પવનોના કારણે હજારો વૃક્ષો ધરાશાયી, સંખ્યાબંધ ગામોમાં પાણી દરિયાઈ પાણી ઘૂસ્યું

અમરેલી, વેરાવળ, ભાવનગર, પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાઉતે વાવાઝોડાને કારણે દરિયો ગાંડોતૂર બન્યો હતો અને મોજાં 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. કિનારાનાં સંખ્યાબંધ ગામોમાં દરિયાનાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. મોડી રાત્રે તમામ વિસ્તારમાં સાવચેતીના પગલે અંધારપટ કરી દેવામાં આવ્યો હતો. - Divya Bhaskar
તાઉતે વાવાઝોડાને કારણે દરિયો ગાંડોતૂર બન્યો હતો અને મોજાં 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. કિનારાનાં સંખ્યાબંધ ગામોમાં દરિયાનાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. મોડી રાત્રે તમામ વિસ્તારમાં સાવચેતીના પગલે અંધારપટ કરી દેવામાં આવ્યો હતો.
  • ઉનામાં 130 કિમીની ઝડપે પવન ફૂંકાયો

સોમવારે મોડી સાંજે તાઉતે વાવાઝોડું પ્રચંડ પવનો સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું. ઉના, વેરાવળ, જાફરાબાદ અને કોડિનાર જેવાં દરિયાકિનારનાં સ્થળોએ પવનોની ગતિ 130 કિમીની ઝડપને આંબી ગઈ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. જાફરાબાદમાં કિનારે લાંગરેલી બોટોને પણ તોફાને ચઢેલા દરિયાના પાણીના કારણે નુકસાન થયું હતું. પડી ગયેલાં વૃક્ષોને કારણે સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ જતાં મોડેમોડે સ્થળાંતર કરી રહેલા લોકો અધવચ્ચે ફસાઇ ગયા હતા. હજુ એક દિવસ સતત ભારે પવનો ફૂંકાવાની આગાહી છે. તકેદારીના પગલે સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરાયો.

વેરાવળઃ 7 ફૂટ ઊંચાં મોજાં ઉછળ્યાં, બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું
વેરાવળમાં રાત્રે 80 કીમીની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. જેના કારણે દરિયામાં 7 ફુટ ઉંચ્ચા મોજા ઉછળી રહ્યા છે. દરમ્યાન ઘીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે અને 4 મીમી જેવો વરસાદ પડી ગયો છે. જ્યારે મેરિ ટાઈમ બોર્ડ દ્વારા સવારથી જ 10 નંબરનું ભયસુચક સિંગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાના પગલે તમામ બોટોને દરિયા કાંઠે બોલાવી લેવાય છે. જેમાથી મોટાભાગની બોટો વેરાવળ બંદરે લંગારી દેવામાં આવી છે. જ્યારે 70થી વધુ બોટોને જગ્યાના અભાવે અન્ય બંદર પર ખસેડવામાં આવી છે. દરમ્યાન પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા ઝુપડપટ્ટી, કાચામકાનો તેમજ દરિયા કિનારે રહેતા તમામ લોકોનું સ્થળાંતર કરાયું છે. 3 કલાકથી વિજળી ગુલ થઈ ગઈ છે.

કોડીનારઃ 6 હજાર લોકોનું સ્થળાંતર, માઢવાડ ગામમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં
કોડીનાર પંથકમાં વાવાઝોડાને લઈને 139 કિમીની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. જેના કારણે દરિયામાં 4 ફુટથી વધુના મોજા ઉછળી રહ્યા છે. સાંજના 4 વાગ્યાથી વિજ કાપ મુકી દેવાયો છે. પરિણામે કોડીનારમાં અંધારપટ્ટ છવાયો છે. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું કોડીનારથી 30 કીમી દુર રહ્યું છે. જ્યારે દરિયો ગાંડોતુર બન્યો હોઈ મોજા ઉછળીને દરિયાનું પાણી છેક માઢવાડ ગામમાં ઘુસી ગયું છે. પરિણામે માઢવાડ ગામના લોકોને વેલણ ગામે સ્થળાંતર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આઠ ગામના 6 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.

ઊનાઃ ભારે વાવાઝોડાના કારણે મોબાઇલ ટાવરના 3 ટુકડા થઈ ગયા
ઉનામાં વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન કર્યું હતું. પવનોની ઝડપ એટલી બધી વધારે હતી કે મકાનોના છાપરાં ઊડ્યાં હતાં. ભારે પવનને કારણે ઉનાનાે મોબાઇલ ટાવર પહેલા ઝૂકી ગયો હતો અને પછી ધરાશાઈ થઈ ગયો હતો.

જાફરાબાદઃ 25 વર્ષ બાદ 10 નંબરનું સિગ્નલ, લાંગરેલી બોટોને પણ નુકસાન
જાફરાબાદમાં રાત્રે 8:00 કલાકે 100 કિમીથી વધારે સ્પીડથી પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. અનેક મકાનોના છાપરા અને નળીયા ઉડયા હતા. રાત સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. આ પૂર્વે જાફરાબાદ પંથક દરિયાકાંઠાના ગામોના 16 હજારથી વધુ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું હતું. અહીં 25 વર્ષ બાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. આ વિસ્તારની તમામ 691 બોટ બગાવત કાંઠે લાંગરી દેવાઈ હતી. પરંતુ મોડી રાતે દરિયામાં ઊંચા ઊંચા લોઢ ઉછળતા બોટોને ભારે નુકસાન થયું હતું.

મહુવાઃ વૃક્ષો પડતા સ્થળાંતરિત થઈ રહેલા લોકોની બે બસો અધવચ્ચે ફસાઈ
મહુવામાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ સાથે 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો તેમજ દરિયાના મોજા ઉછળ્યા હતા. કતપર બંદરે વાવાઝોડાને પગલે સ્થળાંતરીત થઈ રહેલા 150થી વધુ લોકોની બે બસ રસ્તા વચ્ચે ઝાડ અને થાંભલાઓ પડી જતા અટવાઈ છે અને બધાના જીવ પડીકે બંધાયા છે. મહુવાના ડે.કલેકટર સવારે સ્થળ પર રૂબરૂ ગયા હતા અને ગ્રામ્યજનોને સ્થળાંતર માટે સમજાવ્યા હતા. પણ ગ્રામ્યજનો કતપરની જગ્યા છોડવા તૈયાર ન હતા. બપોરે 4 વાગ્યા પછી દરિયાનો કરંટ વધતા ગ્રામ્યજનો ભયભીત બન્યા હતા. તંત્ર દ્વારા બે બસમાં 150થી વધુ લોકોને ખસેડાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વૃક્ષો અને થાંભલા પડી ગયા હોવાથી અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...