રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે અમરેલીની રાજુલા બેઠક પર ભાજપના ઉમેદવાર હિરા સોલંકીને જીતાડવા માટે જંગી સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પાંચાળી આહિર સમાજના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઈ અમરેલીનું રાજકારણ ગરમાયું છે. તેમજ આડકતરી રીતે કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરનું નામ લીધા વગર સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરીને જણાવ્યું કે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારને ઘર ભેગો કરી દેજો. તેમજ ભાજપના હિરા સોલંકીને લઈ કહ્યું કે, અક્ષરધામમાં આતંકવાદીઓનો હુમલા વખતે જીવની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવવા રિવોલ્વર લઈને જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આ જ આપડો હિરાભાઈ હતો.
કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું
અમરેલી જિલ્લામાં આવેલી 98 રાજુલા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હીરા સોલંકી દ્વારા ભંડારીયા નજીક હનુમાન મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા કરશન કળસરીયા, આતુભાઈ જાલંધરા, દીપકભાઈ જાલંધરા, સહિત પાંચાળી આહીર સમાજના 3 આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. અહીં પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે ત્યારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે.
કોંગ્રેસને આડેહાથ લીધી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ સભા થોડા દિવસ પહેલા બોલાવી હોત તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવાની હિંમત ના કરી હોત. કેમ કે, આટલું મોટું જનસમર્થન અહિં જોવા મળી રહ્યું છે. તેમ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભાજપમાં 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આજે ફરીવાર તે ઉમેદવાર તરીકે સામે આવ્યાં છે. ત્યારે તેના જનસમર્થનમાં જે રીતે તમારી બધાની ઉપસ્થિતિ છે તે જોઈને હિરાસોલંકીની જીત થશે તેવો મને વિશ્વાસ છે. કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરનું નામ લીધા વગર આડે હાથ લીધા હતા. અને કહ્યું હતું કે, આ કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારમાં 5 વર્ષમાં શું કર્યું છે? એટલે હવે તમે એને ઘર ભેગો કરી દેજો.
ગાંધીનગરમાં આતંકવાદી હુમલાની ઘટનાને યાદ કરી
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, આ એ જ ભાજપના ઉમેદવાર હીરા સોલંકી છે કે જેણે ગાંધીનગરના અક્ષર ધામમાં આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે તેમની પાસે જે રિવોલ્વર હતી તે રિવોલ્વર લઈને આંતકવાદીઓ સામે પોતાની જીવની કિંમત કર્યા વગર જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આપડો આ હિરલો હતો. આવા મજબુત ઉમેદવારને જીતાડવા માટે મારે તમને વિનંતી કરવાની ન હોય આપણી બધાની ફરજ છે તેને જીતાડવાની. સી.આર.પાટીલે ગાંધીનગરમાં થયેલા આતંકવાદી હુંમલા વખતે હીરા સોલંકી અંદર ગયા હતા એ ઘટનાને યાદ કરી હતી અને હીરા સોલંકીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી.
2017મા રાજુલા બેઠક ભાજપાએ ગુમાવી હતી
વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરનો વિજય થયો હતો. જ્યારે ભાજપના હીરા સોલંકીનો પરાજય થવાના કારણે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, ફરી ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે દોડધામ કરી રહી છે. આગામી દિવસોમાં રાજુલા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હીરા સોલંકીના પ્રચાર માટે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.