અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા છે. બ્રિજ ધરાશાયી થવાની ઘટના બે દિવસ પહેલાં બની હોવાનું જાણવા મળ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા જે તે સમયનો વીડિયો બનાવી વાઈરલ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ બનાવના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી છે. જો કે, હાલ તો આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ સમગ્ર મામલાની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળ પરથી તૂટેલા બ્રિજના સ્લેબનો કાટમાળ પણ દૂર કરી દેવામાં આવ્યો છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બની રહ્યો છે બ્રિજ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે. આ રસ્તા પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી પણ ગતિમાં છે. રાજુલા તાલુકાના દાતરડી પાસે નિર્માણાધીન બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલાં જ તેનો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડતાં પુલના કામની ગુણવત્તાને લઈ સવાલો ઊઠ્યા છે.દાતરડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજ બે દિવસ પહેલાં ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. જે તે સમયે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ધરાશાયી થયેલા બ્રિજનો કાટમાળ દૂર કરી દેવાતાં સવાલો ઊઠ્યા
સામાન્ય રીતે જ્યારે કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે તેમાં જવાબદારી નક્કી કરવા માટે અલગ અલગ સરકારી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. પરંતુ, દાતરડી પાસે બ્રિજ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળ પરથી તૂટી પડેલા બ્રિજનો કાટમાળ પણ દૂર કરી દેવામાં આવતા સવાલો ઊઠ્યા છે.
SDM તપાસ માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા
ભાવનગર નેશનલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયીની ઘટના બાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર ઘટનાસ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા.પરંતુ, સવાલ એ છે કે, ઘટનાસ્થળ પર તૂટી પડેલા બ્રિજનો કાટમાળ જ નથી રખાયો તો પછી અધિકારીઓ તપાસ શેની કરશે. આ સમગ્ર મામલાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ મૌન ધારણ કરી લીધું છે.
સ્થાનિકે કહ્યું- જે ગર્ડર તૂટી ગયા એને ખાડો કરી દાટી દીધા
દાતરડી પાસે જે બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે તેનો વીડિયો જે વ્યકિતએ બનાવ્યો છે તેનું નામ લાલભાઈ આહીર છે. આજે તેમણે કહ્યું હતું કે, સ27 તારીખે તેમને બ્રિજ તૂટ્યાની જાણ થતા તે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જે તે સમયે અહીં ઉપસ્થિત કર્મચારીઓએ ટેક્નિકલ કારણોસર ઘટના બની હોવાની વાત કરતા અમે ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. પરંતુ, ત્યારબાદ રાત્રિના સમયે જે ગર્ડર તૂટ્યા હતા તે ખાડો કરી દાટી દેવામાં આવ્યા છે અને બંને તરફના રસ્તા બંધ કરી અહીં કામ કરતા મજૂરોના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ કરવામાં આવી છે.
અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો હાલ છે ચર્ચાના ચકડોળે
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી અને બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ખાનગી લેબોરેટરીઓના રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ મામલે વિપક્ષે વિધાનસભામાં પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ મનપાના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, હાટકેશ્વર બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું જેને રિપેરિંગ કરવાના કારણે છેલ્લા છ મહિનાથી આ બ્રિજ બંધ છે. ત્યારે આ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે આ કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં પણ ગોતા રેલવે ઓવરબ્રિજ મામલે પેનલ્ટી લગાવવામાં આવી હતી. વર્ષ 2011-12 દરમિયાન ગોતા રેલવે ઓવરબ્રિજમાં કમિશનર દ્વારા રૂ. 2.36 કરોડની પેનલ્ટી કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કામ લાવી તેને ઠરાવમાં સુધારો કર્યો હતો અને તેને રૂ. 23 લાખની પેનલ્ટી કરવામાં આવી હતી. આમ ભાજપના સત્તાધીશોના કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પર ચાર હાથ છે.
એક વર્ષ પહેલાં SP રિંગરોડ પર બ્રિજનો ભાગ તૂટ્યો હતો
અમરેલીમાં જે રીતની ઘટના સામે આવી છે તેવી જ એક ઘટના અમદાવાદમાં એક વર્ષ પહેલાં એસપી રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા તરફ જવાના માર્ગ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ પણ તૂટી પડ્યો હતો. સદનસીબે રાત્રિનો સમય હોવાના કારણે જાનહાનિ થતા અટકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.