કડકડતી ટાઢ વચ્ચે પવન સારો ફૂંકાશે:6 લાખ પતંગથી રંગાશે અમરેલીનું આકાશ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ ઘડીની ખરીદીથી પતંગનાં વેપારીઓને હાશકારો - અમરેલી શહેરમાં શેરડી જીંજરાનો મોટો જથ્થો ઠલવાયો

અમરેલી શહેરમા મકરસંક્રાંતિ પુર્વે એક સપ્તાહ દરમિયાન પતંગ બજારમા મંદી જોવા મળી હતી. પરંતુ અંતિમ ઘડીએ સારી ખરીદી નીકળતા વેપારીઓ ખુશખુશાલ છે. આવતીકાલે શહેરના પતંગ રસીયાઓ અમરેલીનુ આકાશ છ લાખ પતંગોથી રંગી નાખશે. ઉતરાયણ પર્વ પર દાનપુણ્યનો મહિમા પણ ગુંજી ઉઠશે.

અમરેલીના નાના મોટા સૌ કેાઇમા ઉતરાયણ પર્વની ઉજવણી માટેનો ઉત્સાહ આજે સ્પષ્ટ નજરે પડયો હતો. પાછલા બે વર્ષ દરમિયાન કોરોનાના ગ્રહણના કારણે તહેવારોની ઉજવણી ફિક્કી હતી. પરંતુ હવે લોકો આ ગ્રહણમાથી મુકત થયા છે જેને પગલે મકરસંક્રાંતિ ઉજવણીનો ઉત્સાહ ચરમસીમા પર છે. અમરેલી શહેરની બજારમા છેલ્લા એક મહિનાથી જાતજાતની અને ભાતભાતની પતંગોનુ વેચાણ થઇ રહ્યું છે. જો કે અત્યાર સુધી વેપાર ધીમો ચાલતો હતો. ઓણસાલ પતંગ અને દોરીના ભાવમા પણ ખાસ્સો વધારો થયો હોય ખરીદી હળવી રહી હતી.

પરંતુ આજે મકરસંક્રાંતિના આગલા દિવસે ધુમ ખરીદી નીકળી હતી.અમરેલી શહેરના પતંગના વેપારીઓને ત્યાં છેલ્લા ચોવીસ કલાકથી સારી ખરીદી જોઇ શકાય છે. સવાર પડતા જ નાના મોટા સૌ કોઇ ખાણીપીણીનો સામાન અને પતંગ ફિરકીઓ સાથે છત ધાબા પર ધામા નાખશે. આવતીકાલે જો કે કડકડતી ઠંડીનુ મોજુ રહેશે. પરંતુ સારી વાત એ છે કે પતંગ રસીયાઓને જોઇએ તેવો પવન રહેવાની ધારણા છે. આજે પણ દિવસ દરમિયાન પ્રતિ કલાક સરેરાશ 7 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.

અમરેલી શહેરના પતંગ રસીયાઓ સવારથી સાંજ સુધીમા છ લાખથી વધુ પતંગ ચગાવી શહેરનુ આકાશ રંગી નાખશે. શહેરમા અબોલ પશુઓ માટે ઠેકઠેકાણે દાન સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ છે. તો કેટલાક પક્ષી પ્રેમીઓ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સજ્જ છે. તંત્ર દ્વારા લોકોને અકસ્માતથી બચવા અને ચાઇનીઝ દોરી તથા લેન્ટર્સનો ઉપયોગ ન કરવા અપીલ કરાઇ છે.

અમરેલીમાં ઉતરાયણ પર ઉંધીયાના વેચાણનું ચલણ
ઉતરાયણ પર્વ પર અમરેલીમા ઉંધીયાના વેચાણનુ ચલણ પાછલા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે. સવારથી જ બજારોમા ઠેકઠેકાણે ઉંધીયાનુ પણ વેચાણ શરૂ થશે. બપોર થતા સુધીમા શહેરની જુદીજુદી દુકાનોમા ઉંધીયાની ખરીદી માટે પડાપડી જોવા મળશે.
જુદીજુદી ગૌશાળાની દાન માટે અપીલ | રાજુલાની પુંજાબાપુ પાંજરાપોળ દ્વારા મકરસંક્રાંતિના પાવન તહેવાર પર દાતાઓને ગૌ સેવાની અપીલ કરાઇ છે. અમરેલીમા પણ ગૌસેવકો દ્વારા જાહેર ચોકમા સ્ટોલ નાખી ગાયોની સેવા માટે દાન પુણ્યની રકમ સ્વીકારાશે.
સાવરકુંડલામાં ઘાયલ પક્ષીને બચાવવા અભિયાન |સાવરકુંડલામા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષી બચાવો અભિયાન શરૂ કરાયુ છે. અહી કોઇ ઘાયલ પક્ષી દેખાય તો મોબાઇલ નંબર 99797 41061 તથા 94088 55559 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...