બાબરામા આંગડીયા પેઢીના કર્મચારી પર ખુની હુમલો કરી 1.02 લાખની લુંટના ગુનામા પોલીસે ત્રણ સ્થાનિક તથા બે પરપ્રાંતિય મળી પાંચ યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનોએ લુંટની ઘટના છુપાવવા અનેક પેંતરા કર્યા હતા પરંતુ પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી નાખી તમામ રોકડ પરત મેળવી હતી.
આંગડીયા લુંટ પ્રકરણમા બાબરા પોલીસે અહીના કરિયાણા રોડ પર રહેતા અને સીટકવરની દુકાન ધરાવતા સરફરાઝ ઉર્ફે ટકો મહેબુબભાઇ મુલતાની (ઉ.વ.23) હિમત હમીરભાઇ સોંધરવા (ઉ.વ.25) કરિયાણા રોડે વૃંદાવન સોસાયટીમા રહેતા અને પલમ્બરનુ કામ કરતા અમીત ઉર્ફે નંદકિશોર નરભેરામ જોગલ (ઉ.વ.23) તથા મધ્યપ્રદેશના રાહુલ બદ્રી વાસ્કલ અને સુનીલ સોમલા બારેલાની ધરપકડ કરી છે.
આ પાંચેય શખ્સોએ કાવતરૂ રચી બે દિવસ પહેલા બાબરાની પટેલ મહેન્દ્ર અરવિંદભાઇની પેઢીના કર્મચારી વિજય અજુભાઇ રાઠોડ (ઉ.વ.26)ના માથામા ધોકા ફટકારી 1.02 લાખની રોકડ ભરેલા થેલાની લુંટ કરી બાઇક પર નાસી ગયા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા કરિયાણાની સીમમા જરૂખો વિસ્તારમાથી એક બાઇક મળી આવ્યુ હતુ. જેના નંબર પ્લેટ પર ચુનો લગાવેલો હતો.
પોલીસે આ બાઇક અમીત જોગલનુ હોય તેને બોલાવી પુછપરછ કરી હતી. તેના મોબાઇલમા હિમત સોંધરવા સાથે વાતચીત થયાનુ જણાતા તેને પણ બોલાવી બંનેની પુછપરછ કરતા લુંટનો ગુનો કબુલી લીધો હતો અને તેમના આ કાવતરામા બે શખ્સો લુંટ કરવા ગયા હોય અને અન્ય એક રેકી કરતો હોય પાંચેયની ધરપકડ કરાઇ હતી.
તથા મુદામાલમા ગયેલી તમામ રોકડ, ત્રણ બાઇક અને પાંચ મોબાઇલ મળી 2.24 લાખનો સામાન કબજે લીધો હતો. પોલીસે બાઇક કબજે લેતા જ અમીત પોતાનુ મોટર સાયકલ ચોરાયુ હોવાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જયારે સુનીલ સોમલાએ પોતાની ઓળખ છુપાવવા ટકો કરાવી નાખ્યો હતો. એક આરોપીએ લુંટમા મળેલી રકમ પેાતાના ઘરના ધાબા પર ગોળામા છુપાવી રાખી હતી. જો કે આટલા કાવતરા છતા પીઆઇ આર.ડી.ચૌધરી, પીએસઆઇ બી.પી.પરમાર તથા તેની ટીમે પાંચેયને ઝડપી લીધા હતા.
આંગડીયાં કર્મીનાં બાઇક સાથે કાર અથડાવવાનું કાવતરૂ ઘડ્યું હતું
આ લુંટનુ કાવતરૂ બે મહિનાથી ચાલી રહ્યું હતુ. સરફરાઝ મુલતાનીની દુકાને ભેગા થઇ આ શખ્સોએ આંગડીયા પેઢીનો કર્મચારી બાઇક લઇ આંગડીયુ આપવા જાય ત્યારે તેની સાથે કાર અથડાવી પછાડી દઇ લુંટ કરવાનુ કાવતરૂ ઘડાયુ હતુ. જો કે બાદમા સીધો હુમલો કરી લુંટ કરાઇ હતી.
કપાસનો ટ્રક લુંટવા પણ પ્લાન ઘડયો હતો
આ શખ્સોએ લુંટના જુદાજુદા કાવતરા ઘડી કાઢયા હતા. જે પોલીસ સમક્ષ કબુલ્યા હતા. જસદણ, આટકોટ અને રાજકોટ વિસ્તારના રોડ પર ચાલતી કપાસ ભરેલી ટ્રકોને અટકાવી ડ્રાઇવર કલીનરને મારમારી ટ્રક સાથે કપાસ લુંટવાનુ કાવતરૂ પણ ઘડયુ હતુ. આ ઉપરાંત જસદણના ચીતલીયા રોડ પર એક બંગલામા રહેતા માણસોને મારમારી લુંટનુ કાવતરૂ પણ ઘડી કાઢયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.