માર્ગ બિસ્માર:વડિયામાં પુરવઠા નિગમના ગોડાઉને જતો માર્ગ બિસ્માર

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે જિલ્લામાં સરકારી વિભાગોની રજૂઆતો પણ ધ્યાનમાં લેવાતી નથી

વડીયામાં પુરવઠા નિગમના ગોડાઉને જતો રસ્તો વર્ષોથી બિસ્માર છે. નિગમે અનેક વખત સબંધીત વિભાગને રજૂઆત કરી હતી. પણ હવે અમરેલી જિલ્લામાં સરકારી અધિકારીઓની રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. માર્ગ બિસ્માર હોવાના કારણે ચોમાસા દરમિયાન લોકોને અનાજ વિતરણની કામગીરી પ્રભાવિત થઈ જાય છે.

અમરેલી જિલ્લા પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું કે વડીયામાં કેટલાક વર્ષોથી ગોડાઉને જતો રસ્તો બિસ્માર બન્યો છે. ચોમાસામાં વરસાદ પડવાથી ઘઉં, ચોખા, દાળ જેવા અનાજનો જથ્થો ભરી આવતો ટ્રક ખુંપી જાય છે. આ ઉપરાંત માર્ગ પર કાદવ- કીચડ હોવાથી ગોડાઉનમાંથી અનાજનો પુરવઠો લેવા માટે વાહનો આવતા નથી. જેના કારણે વડીયા પંથકમાં ચોમાસા દરમિયાન અનાજ વિતરણની કામગીરી ઠપ્પ થઈ જાય છે. આ અંગે આરએન્ડબી, પંચાયત વિભાગ અને ગ્રામ પંચાયતને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

અહી લાંબા સમય બાદ કરેલા પત્ર વ્યવહારનો સરકારના અધિકારીઓએ કોઈ જવાબ આપ્યો નથી. સાથે સાથે સરકારી અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. વધુમાં પુરવઠા નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે આરએન્ડબી અને પંચાયત વિભાગે કહ્યું કે આ રસ્તો ગ્રામ પંચાયતમાં આવે છે. ગ્રામ પંચાયતના સરપંચ કહે છે કે અમારી પાસે રસ્તા બનાવવા અંગે ગ્રાન્ટ નથી. ઉપરથી ગ્રાન્ટ આવતી જ નથી. પણ એક વાત ચોક્કસ છે કે હવે અમરેલી જિલ્લામાં સરકારી વિભાગ જ અન્ય સરકારી વિભાગને જવાબ આપતું નથી.

ઉચ્ચ અધિકારી ધ્યાન આપે તો જ કામગીરી થશે
જિલ્લામાં રસ્તાઓની સ્થિતિ ખરાબ જોવા મળે છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓ રસ્તા રીપેર કરી નાખ્યા હોવાનો દાવો કરે છે. પણ વડીયામાં તો સરકારી ગોડાઉને જવાનો રસ્તો જ માંદગીના બિસાને જોવા મળે છે. અહી રસ્તો બનાવવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મામલો સંભાળવો પડશે. નહીતર આવતા વર્ષે ફરી ચોમાસમાં વડીયામાં પુરવઠાની કામગીરી ઠપ્પ થશે.

અન્ય સમાચારો પણ છે...