કપાસનું વાવેતર વધારે:વરસાદના છેલ્લા રાઉન્ડથી કપાસનું ચિત્ર ઉજળું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાપ નીકળતાં જ કપાસની પ્રથમ વીણીના શ્રીગણેશ : ગત વર્ષ કરતાં વધુ કપાસ ઉતરશે :હાલમાં 700થી 1200 સુધી બોલાતા ભાવ

અમરેલી જિલ્લામાં ઓણસાલ 3,01,747 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. અહી પ્રથમ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી હતી. પણ ભાદરવે ભરપુર મેઘમહેર થઈ છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમાં 80 ટકા વરસાદ પડી ગયો છે. જેના કારણે ગત વર્ષ કરતા કપાસના પાકમાં ઉત્પાદન વધવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. અહી વરાપ નીકળતાની સાથે જ કપાસની પ્રથમ વીણના શ્રી ગણેશ થયા છે. અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થયુ છે. જિલ્લાભરમાં ઓણસાલ મગફળી કરતા કપાસનું વાવેતર વધારે છે.

અહી વાવાઝોડા સમયે પડેલા વરસાદમાં ઘણા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું. જેમાં કપાસની પ્રથમ વીણ શરૂ થઈ છે. પણ ચોમાસા સીઝનમાં પ્રથમ વરસાદમાં કપાસની વાવણી કરનાર ખેડૂતોએ હજુ પણ વીણી કરી નથી. અહી ફાલ તો સારો આવ્યો છે. પણ વરસાદના કારણે વીણ થઈ શકતી નથી આગામી દિવસોમાં વરાપ નીકળતાની પુજોશમાં કપાસની વીણી શરૂ થઈ જશે. અમરેલીના ખડખંભાળીયાના ખેડૂત ભાભલુભાઈ વાળાએ જણાવ્યું હતું કે મેઘરાજાની મહેરબાનીથી સારો વરસાદ પડયો છે.

ગત વર્ષે કપાસમાં વીઘે માત્ર 5 થી 6 મણ ઉતારો થયો હતો. પણ ઓણસાલ સારૂ વર્ષ રહેશે. આ વર્ષે વીઘે 10 થી 15 પણ કપાસ ઉતરવાની ધારણા છે. તેમજ ઓણસાલ કપાસમાં ઈયળ કે પછી રોગચાળાએ પણ હજુ સુધી દેખા દીધા નથી. હાલમાં વરસાદના છેલ્લા રાઉન્ડના કારણે જળાશયોમાં અને ભૂતળમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંચય થયો છે. જેના કારણે આવનારા દિવસોમાં કપાસની પિયત પણ થઈ શકશે. અને પરિણામ સ્વરૂપ કપાસનો બીજો અને ત્રીજો ઉતારો પણ સારો આવશે.

જિલ્લાના મુખ્ય ચાર યાર્ડમાં નવા કપાસની કેટલી આવક?
યાર્ડભાવઆવક ક્વિન્ટલ
અમરેલી736થી1554118
રાજુલા1111 થી 120520
બાબરા700 થી 120520
સાવરકુંડલા500 થી 105020

બીજી વીણીમાં કપાસ વધુ ઉતરશે : ખેડૂત
ધારી તાલુકાના ગોપાલગ્રામના ખેડૂત હરેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે આગોતરમાં કપાસનું વાવેતર થયું હોય તેમાં પ્રથમ વીણીની શરૂઆત થઈ છે. સતત વરસાદ પડવાથી જીંડવા કાળા પડી રહ્યા છે. પ્રથમ વીણમાં કરતા બીજી વીણમાં કપાસ ‌વધુ ઉતરશે.- હરેશભાઇ વાળા

25 ગામમાં વરસાદ ઓછો છતાં કપાસમાં સારો ફાલ
લાઠીના સરકારી પીપળવાના ભગવાનભાઈ ગરણીયાએ જણાવ્યું હતું કે લાઠીના સરકારી પીપળવા, આંબરડી, નાના રાજકોટ, કણકોટ, તાજપર, ભુરખીયા જેવા 25 ગામડામાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે. પણ પિયત અને સમય આંતરે પડેલા વરસાદના કારણે કપાસની સ્થિતિ સારી છે. જો કે રાસાયણીક ખાતરના કારણે સુકાવો અને ફુગ જેવો રોગચાળો દેખા દઈ રહ્યો છે. હવે વરસાદ પડે તો આગામી વર્ષ કરતા ઉત્પાદન વધશે.> ભગવાનભાઇ ગરણિયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...