તપાસ:ધારી તાલુકાના જળજીવડીમાં ખુની હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે બહેનના પ્રેમીના પિતાને છરીના ચાર ઘા ઝીંકયા હતા: સારવારમાં મોત

ધારી તાલુકાના જળજીવડી ગામે પાંચ દિવસ પહેલા યુવક સહિત બે શખ્સોએ બહેનના પ્રેમીના પિતા પર છરી વડે હુમલો કર્યા બાદ આ આધેડનુ સારવારમા મોત થતા બનાવ હત્યામા પલટાયો છે. આ ઘટના ધારી તાલુકાના જળજીવડી ગામે 29મી તારીખની રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે બની હતી. જયાં રમેશભાઇ ભીમભાઇ પીપળીયા (ઉ.વ.50) નામના આધેડ પર ગોવિંદપુર ગામના અને હાલમા ધારીમા રહેતા મહેશ વિનુભાઇ રાઠોડ તથા જળજીવડીમા રહેતા તેના સગા મામા ઘનશ્યામ ઉર્ફે ઘનો પાડલીયાએ આ ખુની હુમલો કર્યો હતો.

બંનેએ તેમના ઘરનો દરવાજો ખોલાવી રાત્રીના સમયે અંદર ઘુસી પેટમા છરીના ચાર ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમા ખસેડાયા હતા. જયાં આજે તેમનુ સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામા પલટાયો હતો. મહેશ રાઠોડની બહેન સેજલ સાથે રમેશભાઇના પુત્ર રાજુને પ્રેમસંબંધ હતો. જેનુ મનદુખ રાખી મહેશ તથા તેના મામાએ રમેશભાઇની હત્યા કરી નાખી હતી. પોલીસે અગાઉ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. હવે આઇપીસી કલમ 302નો ઉમેરો કરી તપાસ શરૂ કરી છે. બંને આરોપી અગાઉ જ ઝડપાઇ ચુકયા છે.

અન્ય સમાચારો પણ છે...