અમરેલી શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો કાયમી અડિંગો હોય છે. રાજયભરમા આવા રખડતા ઢોરને ડબ્બે પુરવા સરકારમાથી સુચના અપાય બાદ આજે પાલિકાએ ઢોર પકડવાની શરૂઆત કરતા જ કડવો અનુભવ થયો હતો. પાલિકાની ટીમે જાહેર ચોકમા ચાર ઢોરને ડબ્બે પુર્યા તે સાથે માલિકોના ટોળા ધસી આવ્યા હતા અને ડબ્બામાથી ચારેય ઢોર છોડાવી જતા પાલિકાએ આ કાર્યવાહી થંભાવી દીધી હતી.
રસ્તા પર રખડતા ઢોરને ડબ્બે પુરી ઢોરવાડા કે પાંજરાપોળમા ધકેલવાની રાજય સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓને સુચના અપાઇ છે. હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ સરકાર દ્વારા આ સુચના અપાઇ છે. જેને પગલે અમરેલી નગરપાલિકાની ટીમ દ્વારા આજે આવા ઢોરને ડબ્બે પુરવાની કામગીરીના શ્રીગણેશ કરાયા હતા. જો કે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા આવી હતી. પાલિકાએ નાગનાથ મંદિરથી લઇ ડો.જીવરાજ મહેતા ચોક સુધીમા રખડતા ઢોરને પકડવા માટે બપોરબાદ અભિયાન શરૂ કર્યુ હતુ.
પાલિકાના આ અભિયાન અંગે ઢોર માલિકોને અગાઉથી જ જાણ થઇ ગઇ હતી જેથી તેઓ પણ પુરી તૈયારીમા હતા. પાલિકાએ નાગનાથ મંદિર સામેથી ઢોરને ડબ્બે પુરવા કાર્યવાહી શરૂ કરી હતી. અને માત્ર ચાર ઢોર હજુ તો ડબ્બે પુર્યા હતા. ત્યાં જ ઢોર માલિકોનુ ટોળુ ધસી આવ્યું હતુ. અને પાલિકા કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલબાજી કરી પોતાના ઢોર છોડાવી લીધા હતા. ઢોર માલિકોની આ ખુલ્લી દાદાગીરી સરાજાહેર ચોકમા જોવા મળી હતી.
ઢોર માલિકોની આ દાદાગીરી સામે પાલિકાનુ તંત્ર ટુંકુ પડયુ હતુ. જો કે હવે પાલિકા દ્વારા આ અંગે પોલીસની મદદ માંગવામા આવી રહી છે અને આવતીકાલથી ઢોરને ડબ્બે પુરતી વખતે પોલીસને પણ સાથે રાખવામા આવશે. અમરેલી શહેરમા રસ્તે રખડતા ઢોરમા રેઢીયાર ઢોર કરતા માલિકીના ઢોરની સંખ્યા વધુ જોવા મળી રહી છે. અગાઉ આવા મુદે ઘર્ષણની પણ અનેક ઘટનાઓ બની ચુકી છે.
અમરેલી શહેરમાં 1500થી વધુ રખડતા ઢોર
અમરેલી શહેરમા તમામ મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટી અને ગલીઓમા પણ ઢોરના અડિંગા જોવા મળે છે. હાલમા શહેરમા 1500થી વધુ રખડતા ઢોર છે. પાંચેક વર્ષ પહેલા આવા ઢોરની ગણતરી કરાઇ ત્યારે 1100થી વધુ ઢોર જણાયા હતા.
અગાઉ ટ્રીપલ મર્ડરની ઘટના પણ બની હતી
આ મામલો ખુબ સંવેદનશીલ છે. ભુતકાળમા ઢોર પકડવાની કાર્યવાહી થયા બાદ ભરવાડ સમાજમા તંત્રની સાથે રહેવાના મુદે આંતરીક વિખવાદ થયો હતો જે વાત મારામારી સુધી પહોંચતા ત્રણ લોકોની હત્યા થઇ ગઇ હતી.
આ મુદ્દે બેઠક માટે ઢોર માલિકો તૈયાર ન થયા
દરમિયાન આજે પાલિકા પ્રમુખે ભરવાડ સમાજના આગેવાનોને બોલાવી તમામ ઢોર માલિકોની બેઠક બોલાવવાના મુદે વાત કરી હતી. પરંતુ આ આગેવાનોએ કોઇ ઢોર માલિક બેઠકમા આવવા તૈયાર નહી થાય તેમ કહેતા બેઠક બોલાવાઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.