ઠંડીનો પ્રથમ ચમકારો:પારો ગગડીને 16.8 ડિગ્રી, ચાર દિવસમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં આગામી દિવસોમાં કડકડતી ઠંડીની હવામાન વિભાગની આગાહી
  • ચોમાસું ભરપુર વરસ્યા બાદ શિયાળાની શરૂઆતથી જ કડકડતી ઠંડીની શરૂઆત

અમરેલી જિલ્લામા ઓણસાલ ચોમાસામા ભરપુર વરસાદ વરસ્યા બાદ આવનારા શિયાળામા કડકડતી ઠંડી પડવાના એંધાણ અત્યારથી વર્તાઇ રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમા અમરેલી પંથકમા તાપમાનનેા પારો 4 ડિગ્રી સુધી ગગડી આજે 16.8 પર પહોંચી ગયો હતો. જેના કારણે રાતના સમયે અને ખાસ કરીને વહેલી સવારે ટાઢ અનુભવાઇ હતી. આમ પણ અમરેલી જિલ્લામા રાજયના અન્ય વિસ્તારોની સરખામણીમા દર શિયાળામા વધુ ઠંડી પડે છે.

તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ હોય તેવા દિવસોની સંખ્યા પ્રમાણમા ઘણી વધારે રહે છે. અને શિયાળાના કેટલાક દિવસો એવા હોય છે જયારે સમગ્ર રાજયમા સૌથી વધુ ઠંડી અમરેલી જિલ્લામા હોય છે. ચાલુ સાલે પણ અમરેલી પંથકમા આકરી ઠંડી પડે તેવા એંધાણ શિયાળાના આરંભે જ જોવા મળી રહ્યાં છે. દિપાવલીના તહેવાર બાદ તુરંત આ વિસ્તારમા તાપમાનમા ગીરાવટ આવવાની શરૂઆત થઇ છે. આજે અમરેલી શહેરમા ન્યુનતમ તાપમાન 16.8 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ. જયારે મહતમ તાપમાન બપોરના સમયે 34.4 ડિગ્રી નોંધાયુ હતુ. હવામા ભેજનુ પ્રમાણ 83 ટકા જેટલુ ઉંચુ રહ્યું હતુ.

જયારે પવનની ગતિ પ્રતી કલાક સરેરાશ 4.2 કિમીની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી પંથકમા હજુ ચાર દિવસ પહેલા જ ન્યુનતમ તાપમાનનો પારો 20 ડિગ્રી ઉપર હતો. જયારે મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર હતો. પરંતુ ચાર દિવસમા ન્યુનતમ તાપમાનમા 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

એટલુ જ નહી મહતમ તાપમાન પણ 35 ડિગ્રીથી નીચે આવી ગયુ છે. સાથે સાથે સવારના સમયે થોડો પવન પણ ફુંકાયો હોય ટાઢની તીવ્રતા વધુ અનુભવાતી હતી. હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમા ગુજરાત સહિત દેશના ઘણા ખરા ભાગમા કડકડતી ટાઢની આગાહી કરાઇ છે. તેની અસર અત્યારથી જોવા મળી હતી.

બપોરના સમયે થોડી ગરમીનો પણ અનુભવ
અહી રાતના સમયે તાપમાન ઘટવાની સાથે બપોરનુ તાપમાન નીચુ જરૂર ગયુ છે. આમ છતા હજુ 34.4 ડિગ્રી સુધી પારો ઉંચકાયો હોય બપોરના સમયે થોડી ગરમી પણ અનુભવાતી હતી. આમ બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

હવામાં ભેજ વધતા ઠંડક પણ વધી
તાપમાનનો પારો નીચે જવાની સાથે સાથે હવામા ભેજનુ પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે ઠંડી વધુ તીવ્રતાથી અનુભવાઇ રહી છે. હવામા ભેજ વધતા છુટાછવાયા વાદળો પણ નજરે પડયા હતા.

ગીર કાંઠામાં વહેલી સવારે ઠાર
શિયાળા દરમિયાન અમરેલી જિલ્લામા ગીર કાંઠો સૌથી વધુ ટાઢોબોળ હોય છે અને ચાલુ સાલે પણ હવામાનની આવી જ ગતિ જોવા મળી છે. શિયાળાના આરંભે આજે વહેલી સવારે ગીરકાંઠાના ધારી ખાંભા પંથકમા ભારે ઠાર અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...