અમરેલી પંથકમાં પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો સતત ઉંચકાયેલો રહેતો હોય આકરી ગરમી પડી રહી છે. આજે શહેરનુ મહતમ તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોંચી જતા અહી બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. બપોરના સુમારે તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેમ માર્ગો પર કુદરતી કર્ફયુ લાદયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
અમરેલીમાં એપ્રિલ માસમા તો તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ નોંધાયુ હતુ. આકરા તાપના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા. તો અહી થોડા દિવસ પહેલા અચાનક વાતાવરણમા પલટો પણ આવ્યો હતો અને અનેક સ્થળે માવઠુ પણ થયુ હતુ. જો કે આજે અમરેલી શહેરમા મહતમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.2 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ વધીને 75 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10 કિમીની નોંધાઇ હતી.
આખો દિવસ આકાશમાંથી જાણે અગનવર્ષા થતી હોય તેમ લોકો અકળાઇ ઉઠયાં હતા. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે લોકોએ ઘર બહાર નીકળવાનુ જ ટાળ્યું હતુ. ગરમીથી બચવા લોકો અનેકવિધ ઉપાયો અજમાવતા પણ નજરે પડી રહ્યાં છે. તો બપોરના સુમારે તો ઠંડાપીણાના વેપારીઓને ત્યાં લોકોની ભીડ પણ જોવા મળી હતી. આગામી દિવસોમા પણ તાપમાન ઉંચકાયેલુ રહે તેવી શકયતા જોવાઇ રહી છે. અત્રે નોંધનીય છેકે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઉત્તરોત્તર ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી બચવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. અને ગરમીના દિવસો પસાર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.