અમરેલીના મહિલા વિકાસ ગૃહમા ઉછરેલી નિરાધાર દીકરી દયા ઉમરલાયક થતા આજે તેના ધામધુમથી લગ્ન યોજાયા હતા. અને આ દીકરીના પાલક પિતા ચંદુભાઇ સંઘાણીએ કન્યાદાન કર્યુ હતુ. અહીના મહિલા વિકાસ ગૃહમા આવતી બાળાઓ અને યુવતીઓની સારસંભાળ લેવા સાથે લગ્ન લાયક ઉમર થાય ત્યારે તેને પરણાવવા સુધીની જવાબદારી નિભાવવામા આવે છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એમડી ચંદુભાઇ સંઘાણી અને તેનો પરિવાર આવી દીકરીઓના પાલન પોષણમા સંપુર્ણ જવાબદારી લઇ રહ્યો છે.
અહીની એક દીકરી દયા નિરાધાર હોય તેનો આધાર બની ચંદુભાઇએ પાલક પિતા તરીકેની જવાબદારી સ્વીકારી છે. અને હવે તેના લગ્ન પણ કરી આપ્યા છે. અહીના મહિલા વિકાસ ગૃહના પરિસરમા જ લીલુડા મંડપ રોપાયા હતા. ગીતાબેન અને બાબુભાઇ રામભાઇ સાવલીયાના પુત્ર જયેશ સાથે આ યુવતીના લગ્ન કરાયા હતા. આ તકે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, દુધ સંઘના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા અને મુકેશભાઇ સંઘાણી તથા વિવિધ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમા સંઘાણી દંપતિએ કન્યાદાન કર્યુ હતુ અને આ દીકરીને સાસરે વળાવાઇ હતી.
માયાભાઇ આહિરનો લોકડાયરો યોજાયો
મહિલા વિકાસ ગૃહની દીકરીના લગ્નને યાદગાર બનાવવા ભવ્ય લોકડાયરાનુ પણ આયોજન કરાયુ હતુ. અહીના તુલસી પાર્ટી પ્લોટ ખાતે શનિવારે સાંજે માયાભાઇ આહિર અને અન્ય કલાકારોના લોકડાયરામા જંગી મેદની ઉમટી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.