ધરપકડ:નાના રાજકોટ ગામે વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 લાખની સોનાની લગડી કબજે : રાજ્યભરમાં લૂંટ, હત્યા, ચોરીના 21 ગુનામાં સંડોવાયો હતો

લીલીયાના નાના રાજકોટમા એકલા રહેતા વૃધ્ધ દંપતિના ઘરમા ઘુસી લુંટારૂ ગેંગે વૃધ્ધાને ગંભીર રીતે ઘાયલ કરી તથા વૃધ્ધની હત્યા કરી રોકડ, સોનાના દાગીના અને બાઇક લઇ નાસી ગયાની ઘટનામા પોલીસે આજે લુંટારૂ ગેંગના મુખ્ય સુત્રધાર એવા દાહોદ પંથકના યુવકની ધરપકડ કરી છે.અમરેલી એલસીબીની ટીમે આજે દાહોદના ધાનપુર તાલુકાના રૈયાવણ ગામના પુનીયો ઉર્ફે બુસો સવલા ગણાવા (ઉ.વ.32) નામના શખ્સની આ પ્રકરણમા અમરેલીમાથી ધરપકડ કરી હતી. લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે રહેતા લક્ષ્મણભાઇ વિરજીભાઇ વાડદોરીયા (ઉ.વ.72) નામના વૃધ્ધની ગત તારીખ 13/9/22ના રોજ હત્યા કરી નાખવામા આવી હતી.

જયારે તેમના પત્ની નબુબેન (ઉ.વ.68)ને પણ ધોકાના ઘા માથામા મારી હત્યાની કોશિષ કરવામા આવી હતી. ત્રણ શખ્સોની લુંટારૂ ગેંગ મધરાતે તેમના ઘરમા ઘુસી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા બાઇકની લુંટ કરી નાસી ગયા હતા. જે અંગે તેમના દીકરા નરેશભાઇએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અમરેલી એલસીબીએ અગાઉ આ પ્રકરણમા ટીપુ કનુ બામણીયા તથા પ્રકાશ ગુરૂજી રાવત નામના શખ્સોની ધરપકડ કરી હતી. સીસીટીવી ફુટેજના આધારે ઘટના સ્થળથી ઘણે દુર ત્રણેયના દ્રશ્યો મળતા ઓળખ થઇ હતી. જો કે મુખ્ય સુત્રધાર પુનીયો સવલા ગણાવા હાથમા આવ્યો ન હતો.

પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ વી.વી.ગોહિલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને પુનીયાને આજે અમરેલીમાથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી જુદાજુદા સ્થળે લુંટમાથી મળેલી સોનાની રૂપિયા ચાર લાખની કિમતની લગડી કબજે લીધી હતી. આ શખ્સ સામે લુંટ, હત્યા, ચોરી વિગેરે જેવા 21 ગુના રાજયના જુદાજુદા વિસ્તારમા નોંધાયેલા છે. પોલીસે આ શખ્સને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

ત્રણ ગુનામાં અટક કરવાનો બાકી
પુનીયા ગણાવાએ 11 માસ પહેલા લોધીકા તાલુકાના મોટાવડા ગામે એક મહિલાને મારમારી દોઢ લાખના ઘરેણા લુંટયા હતા. દસેક માસ પહેલા અન્ય સાથીદારો સાથે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામની સીમમા એક ઘરમાથી 1.10 લાખના દાગીના ચોર્યા હતા. આ ઉપરાંત એક વર્ષ પહેલા દાહોદ પંથકમા એક મકાનમાથી દોઢ લાખના દાગીનાની લુંટ કરી હતી. નાના રાજકોટ હત્યા કેસમા પણ તે પકડવાનો બાકી હતો.

કોર્ટના ચાર પકડ વોરંટ પણ ઇસ્યુ થયા હતાં
​​​​​​​આ શખ્સની અગાઉ લુંટ જેવા ગંભીર ગુનાઓમા ધરપકડ થયા બાદ તે જામીન પર છુટયો હતો. ત્યારબાદ નાસતો ફરતો હોય લીમખેડા કોર્ટના ત્રણ પકડ વોરંટ તથા ધોળકા કોર્ટનુ એક પકડ વોરંટ ઇસ્યુ થયેલુ હતુ.

અન્ય સમાચારો પણ છે...