ચૂંટણી પ્રચાર તેજગતિએ:ધારી બેઠકના અપક્ષ ઉમેદવારે જંગી સભાનું આયોજન કર્યુ, મોટી સંખ્યામાં જનસમુહ જોડાયો

અમરેલી14 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ જિલ્લાની બેઠકો જીતવા એડિચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની રાજકીય પાર્ટીઓએ દોડધામ શરૂ કરી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે ઉતાર્યા છે. આ વચ્ચે ધારી બેઠકના અપક્ષ ઉમેદવારે જંગીસભાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનસમુહ ઉમટી પડ્યો હતો.

કોંગ્રેસ, ભાજપ, આપ સહિતની પાર્ટીઓની મુશ્કેલી વધી શકે
ધારી-બગસરા બેઠક ઉપર ચૂંટણીના અંતિમ દિવસોમાં સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાના હોમ ટાઉનમાં અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળાએ જંગી સભાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સભામાં કોઈ મોટા નેતાઓ હાજર ન હતા માત્ર સામાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદશનના કારણે હાલ તો કોંગ્રેસ, ભાજપ, આપ સહિતની પાર્ટીઓની મુશ્કેલી વધી હોય તેવું જોવા મળી રહ્યુ છે.
કોણ છે અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્રવાળા?
ઉપેન્દ્ર વાળા ચલાલા નજીક આવેલા મીઠાપુર ગામના રહેવાસી અને ભાજપના અગ્રણી હતા. મીઠાપુર ગામમાં સરપંચ તરીકે વર્ષો સુધી બિનહરીફ ચૂંટાય આવ્યા હતા. ભાજપથી નારાજ થઈ આપ પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ટિકિટ નહી મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર અહીં પાટીદાર સમાજ સાથે કાથી ક્ષત્રીય સમાજ નિર્ણાયકની ભૂમિકામાં આવે છે. કેમ કે અહીં કાઠી ક્ષત્રીય સમાજનું વર્ષોથી પ્રભત્વ છે. વસ્તી ઉપર નજર કરીએ તો પાટીદાર સમાજ પછી બીજા નંબર ઉપર કાઠી ક્ષત્રીય સમાજ આવે છે.
ધારી બેઠક પર કઈ પાર્ટી તરફથી કોણ છે ઉમેદવાર?
આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના જે.વી.કાકડીયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના કાંતિ સતાસીયા છે. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડો.કીર્તિ બોરીસાગર છે જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ઉપેન્દ્ર વાળા છે જે કાઠી ક્ષત્રીય સમાજમાંથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...