જ્યાં ગયું ત્યાં વિનાશ વેર્યો:ઉનાથી પ્રવેશેલા તાઉ-તે વાવાઝોડાએ 24 કલાક ગુજરાતને બાનમાં લીધું, રાજ્યમાં 17નાં મોત, 2 લાખ વૃક્ષ, 25% વીજપોલ ધરાશાયી

ગાંધીનગરએક વર્ષ પહેલા
પાટણમાં વરસાદની શરૂઆત.
  • અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ, 17 હજાર મકાનો તૂટ્યાં
  • ગુજરાતમાં ભારે તાંડવ મચાવીને વાવાઝોડું રાજસ્થાન તરફ વળ્યું
  • વિનાશ વેરીને વાવાઝોડું ઉત્તર ગુજરાતના રસ્તે નબળું પડીને રાજ્ય બહાર નીકળ્યું
  • રાજસ્થાનમાં 12 જિલ્લામાં વાવાઝોડાનું અલર્ટ જાહેર કરાયું

ગુજરાતના માથેથી આખરે તાઉ-તે વાવાઝોડાનું સંકટ પસાર થઈ ગયું છે. વાવાઝોડાએ ગુજરાતને ધમરોળીને તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે સત્તાવાર 17 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના 3850 ગામોમાં અંધારપટ સર્જાયો છે. 2 લાખથી વધારે વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે જ્યારે હાલ પણ 112 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. પ્રાથમિક માહિતી મુજબ 20 હજારથી વધુ કાચા મકાનોને અસર થઇ છે.

112 રસ્તા હજુ બંધ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર તંત્ર 3 દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતું જેને કારણે મોટી દુર્ઘટના કે જાનહાનિ થઇ નથી. ઉના, સાણંદમાં 3-3 લોકોનાં મોત થયા હતા જ્યારે નડિયાદ અને પાલિતાણામાં 2-2 તથા અમદાવાદ, જેતપુર, વલસાડ અને રાજુલામાં 1-1નું મોત થયું હતું. વાવાઝોડાને કારણે 5958 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, 2101 ગામમાં પૂર્વવત્ કરી દેવાયો છે જ્યારે 3850 ગામમાં કામગીરી ચાલી રહી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં 674 રસ્તા બંધ થયા હતા જે પૈકી 562 રસ્તા ચાલું કરી દેવાયા છે જ્યારે 112 રસ્તા હજુ બંધ છે.

ઉમરગામમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ
વાવાઝોડાની અસરથી રાજ્યના 96 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, 6 તાલુકામાં 8થી 10 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 6થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ પડ્યો છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના 4200થી વધુ કર્મચારીઓની 950 ટીમો કાર્યરત છે. બુધવારે રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. વીજળીના 69,429 થાંભલા ધરાશાયી થઇ ગયા છે. સરકાર પાસે 81 હજાર થાંભલા ઉપલબ્ધ છે જેથી તાત્કાલિક રીપ્લેસ કરાશે.

સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકને 50થી 100 ટકા નુકસાન
વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ,અમરેલી, ભાવનગર અ્ને જૂનાગઢમાં તમામ પાકને 100 ટકા નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગનો અંદાજ છે. કેરીના પાકને 75 ટકા જેટલું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં કૃષિ પાક જેવા કે બાજરો, તલ, મગફળી તેમજ ચીકુ, પપૈયા, સીતાફળ સહિતના બાગાયતી પાકને 100 ટકા નુકસાન થયું છે. ગુજરાતમાં બાગાયતી પાકને 50થી 100 ટકા અને કૃષિ પાકને 30થી 100 ટકા જેટલું નુકસાન થયુ હોવાનો અંદાજ છે. સરકારે સરવે હાથ ધરી દીધો હોવાથી નુકસાનીનું ચિત્ર ટૂંક દિવસોમાં સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં બાજરી સહિતના કૃષિ પાકનું 10.47 લાખ હેકટરમાં અને બાગાયતી પાકનું 4.76 લાખ હેકટરમાં વાવેતર થયું છે.

જુઓ અત્યારે શું છે વાવાઝોડાની સ્થિતિ

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ
તાઉ-તે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે. તેના રૂટમાં આવતા જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, પરંતુ તેના પરીઘની આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ જિલ્લામાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે. તો સવારના સમયમાં અમરેલી, ભાવનગર, બોટાદ ગીર સોમનાથ, વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પાટણમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

અમરેલીની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
અમરેલીની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ

ભાવનગર શહેર-જિલ્લામાં ચારનાં મોત
ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી હતી. ગઈકાલ રાતથી બીજા દિવસે આજે 16 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી છે તો જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે અને એક બનાવ ગારીયાધારમાં વૃદ્ધનું મોત થયું છે. જ્યારે શહેરમાં પણ એક મોત નીપજ્યું છે. શહેર અને જિલ્લામાં વિજળી ગઈકાલથી ગુલ છે અને લોકો વાવાઝોડાની અસરથી સ્તબ્ધ છે.

ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ
તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં વિનાશ નોતર્યા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક સ્થળે ઝાડ પડવાના બનાવો બન્યા.
ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક સ્થળે ઝાડ પડવાના બનાવો બન્યા.

અમરેલી જિલ્લાના 100 % એટલે કે 603 ગામોમાં વીજળી ડૂલ
તાઉ-તે વાવાઝોડુ 17 મેના રોજ રાત્રે ઉનાથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. જે અમેરલી જિલ્લામાંથી પસાર થયું છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. સમગ્ર જિલ્લામાં 100 ટકા એટલે કે 603 ગામોમાં પાવર ઓફ છે. સૌથી વધુ નુકસાન અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં થયું છે. જિલ્લાના કુલ 73 જેટલા 66 કેવી સબ સ્ટેશનો પૈકી 43 જેટલા ખોરવાયા છે. જેમનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈકાલે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165થી 170 કિ.મીની હતી.

ઉનામાં તાઉ-તેએ નોતરેલા વિનાશની સાક્ષી સમી તસવીર.
ઉનામાં તાઉ-તેએ નોતરેલા વિનાશની સાક્ષી સમી તસવીર.

ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી
વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી હતી. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. ગીર સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હતી. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

નવસારીમાં વૃક્ષો ધરાશાયી થતા તેને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ
નવસારીમાં વૃક્ષો ધરાશાયી થતા તેને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ

જૂનાગઢમાં નહિવત અસર
જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રસ્તા ચોખ્ખા કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઈ
રસ્તા ચોખ્ખા કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઈ

રાજકોટમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની
રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથના 329 ગામોમાં અંધારપટ
તાઉ-તે વાવાઝોડાએ ગત રાત્રિના ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠાથી પ્રવેશ કર્યા બાદ ભારે ખાનાખરાબી સર્જી છે. તેની હકકીતો ઘીમે ઘીમે આજે સવારથી સામે આવી રહી છે. જિલ્લામાં જુદા-જુદા સ્‍થળોએ બે હજાર જેટલા વૃક્ષો ધરાશાયી, 721 વીજ પોલો ધરાશાયી થવાની સાથે 329 ગામોમાં અંધારપટ અને ઉના-કોડીનારના એક-એક પરિવારો ઇજાગ્રસ્‍ત બન્‍યા હોવાનું તંત્રના પ્રાથમિક અહેવાલમાં સામે આવ્‍યુ છે.

જૂનાગઢના ગાંધીચોકમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું
જૂનાગઢના ગાંધીચોકમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું

ગ્રામ્‍ય વિસ્‍તારો વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠે તોક-તે વાવાઝોડુ ટકરાયા બાદ ફુંકાયેલા ભારે પવન અને સાથે વરસેલા અનરાઘાર વરસાદના પગલે ભારે ખાનાખરાબીની દહેશત વર્તાતી હતી. ખાસ કરીને ઉના શહેર અને પંથકના દરિયાકાંઠાના ગ્રામ્‍ય વિસ્‍તારો વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયા છે. જયારે કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના પણ અનેક ગામોમાં અને જેટી બંદરોમાં પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વાવાઝોડાના ભારે પવન અને બાદમાં વરસેલા અનરાઘાર વરસાદના લીઘે ભારે ખાનાખરાબી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉનામાં 200 જેટલા વૃક્ષો ધરાશાયી
તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધરાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો હતો.

રાજકોટમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે.
રાજકોટમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે.

નવસારી જિલ્લામાં દરિયા કાંઠામાં ભારે પવન સાથે વરસાદ
ઉનાથી તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયાઇકાંઠામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનોને કારણે કાંઠાના ગામોમાં કાચા મકાનોના પતરા ઉડયા તો ક્યાંક રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

વલસાડના ઉમરગામ તાલુકામાં 'તાઉ-તે'એ સર્જી તારાજી
વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું ભલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું હોય, પણ દક્ષિણ ગુજરાતનું વલસાડ એની અસરમાંથી બાકાત રહી શક્યું નથી. વલસાડ જિલ્લામાં સોમવારે સાંજથી જ તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ હતી અને આજે સવાર સુધી જોવા મળી હતી. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં અસર જોવા મળી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અહીં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે.

વેરાવળના બાયપાસ રોડ પર વૃક્ષ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો.
વેરાવળના બાયપાસ રોડ પર વૃક્ષ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો.

માછીમાર વર્ણવે છે સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ
સોમવારે મુંબઈથી નીકળેલી મનિષભાઈ ગ્રુપની 17 બોટ નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચતા માછીમારોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. મનિષભાઈ ગ્રુપના મનિષભાઈએ જણાવ્યું હતું કે, મુંબઈથી દરિયો ખેડી માછીમારી કરતા હતા ત્યારે તાઉતે વાવાઝોડાની ખબર પડી હતી. જોકે એ વખતે મુંબઈના દરિયા વિસ્તારમાં તેની અસર વધી હતી. આથી મુંબઈ દરિયાકાંઠે જવા કરતા નવસારી પરત આવવાનું મુનાસિબ માન્યું હતું. મુંબઈમાં જે તે સંબંધીઓને તેની જાણ કરી અમે પરત આવવવા નીકળ્યા હતા.

નવસારી કાંઠે પહોંચતા 16 કલાકની જગ્યાએ વખતે દરિયો તોફાની હોવાથી 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ વખતે દરિયો પાલઘર (મુંબઈ) પછી ગુજરાત તરફ આવતા દરિયામાં વધુ કરંટ જોવા મળ્યો હતો. સાથે વરસાદ અનને પવનને કારણે બોટની ઝડપ પણ ઘટાડવાની ફરજ પડી હતી. રેગ્યુલર કરતા મોટા મોજા જોતા જ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યાનો અંદાજ આવી ગયો હતો. જેથી શક્ય તેટલી ઝડપે કાંઠે આવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ભાટના કાંઠે 8 અને કૃષ્ણપુરના કાંઠે 9 મળી કુલ 17 બોટ સાથે નવસારીમાં આવી પહોંચ્યા હતા. જેમાં 200 જેટલા માછીમારો બોટમાં હતા. પરિવારજનોમાં પણ અમે પરત ફરતાં આનંદ છવાયો હતો.

વેરાવળમાં ભારે પવનને કારણે પતરાં ઊડ્યાં હતાં.
વેરાવળમાં ભારે પવનને કારણે પતરાં ઊડ્યાં હતાં.

ભરૂચઃ જંબુસરના સ્તંભેશ્વર તીર્થમાં શિવલિંગ પર લગાવેલાં પતરાં ઊડ્યાં
ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તાઉ-તેનું વિનાશક મંજર જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં જંબુસર, વાગરા અને હાંસોટની દરિયાઈ પટ્ટી પર 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડું સથવારે વરસાદ વરસતા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. તોફાની બનેલા દરિયામાં જંબુસરના દરિયા કાંઠે સ્થિત કાવી-કંબોઈ સ્તંભેશ્વર તીર્થ સ્થાને પતરા, નળીયા ઉડવા અને વૃક્ષો ધરાશયી થયા હતા. ભરૂચ જિલ્લામાં ગતરોજ મોડી રાતથી તાઉ-તે વાવાઝોડાએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખબકવાનો શરૂ થયો હતો. અનેક જગ્યાએ વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થતા વિજળી ડુલ થઈ હતી. સદભાગ્યે તંત્ર દ્વારા દરીયાકિનારે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવતા સદભાગ્યે જાનહાની ટળવા પામી હતી.

વેરાવળમાં ગઈકાલ રાતથી ચાલુ થયેલા ભારે પવનને કારણે મંડપ સહિત લારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
વેરાવળમાં ગઈકાલ રાતથી ચાલુ થયેલા ભારે પવનને કારણે મંડપ સહિત લારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

દીવમાં અંધારપટ, સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું
અંતે દીવ અને ઉનાના રસ્તે તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કરી દીધો હતો. ઊના અને દીવમાં 130 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઊના, દીવમાં 300 થી વધુ વક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે,જેથી અંધારપટ છવાયો હતો. સાંજે 5 વાગ્યાની આસપાસ ઊનામાં 50 કિમીની ઝડપ હતી, જે રાત્રિનાં 9 વાગ્યા સુધીમાં 133 કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા.

2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, કન્ટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. કન્ટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું હતું.