અમરેલીના શેડુભારના સરપં અને ખેડૂત સુરેશભાઈએ જાતે જ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો વિચાર કર્યો અને પાંચેક વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી. આ ઉત્પાદન અને તેની ગુણવત્તાને જોતા સુરેશભાઈએ કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. તેમણે એક હેક્ટર એટલે કે આશરે છ વિઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા આ બગીચામાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનો જ ખાતર તરીકે ઉપયોગ કરી અનોખો ચીલો ચાતર્યો છે.
પ્રાકૃતિક ખેતીના આ બગીચામાં સુરેશભાઈએ સીતાફળના ૨૫૦ છોડ, જામફળના ૨૫૦ છોડ, લીંબુડીના ૨૦૦ છોડ, ચીકુના ૧૦ છોડ , કેળના ૧૦૦ છોડ, સફરજનના ૧૨૫ છોડ, પપૈયાના ૨૦૦ છોડ, રીંગણીના ૧,૦૦૦ છોડ, ટામેટાના ૧,૦૦૦ છોડ, ગલકા, કારેલા અને દૂધીના ૫૦૦-૫૦૦ છોડ, આંબાના ૨૦ છોડ, રાવણાના ૧૦ છોડ ઉપરાંત સરગવા, હળદર, શક્કરિયા, શેરડી અને ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. વીસ મહિનાથી તૈયાર થયેલા આ બગીચામાં હાલમાં ટામેટા, પપૈયા, જામફળ, ચીકુ, સરગવો, હળદર, શક્કરિયા, શેરડી, મરચા, સહિતના બાગાયતી અને ખેત ઉત્પાદનો મેળવી રહ્યા છે.
સુભાષ પાલેકરથી પ્રેરાઇ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો
સુરેશભાઈએ જણાવ્યું હતુ કે સુભાષ પાલેકરથી પ્રેરાઇને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયો હતો. સૌથી પહેલાં મેં ટામેટાની ખેતી કરી, ટામેટામાં મને લાખેણું ઉત્પાદન મળ્યું જેથી મેં નક્કી કર્યુ કે હવે મારે મારી ખેતીને ઝેરમુક્ત બનાવવી છે. > સુરેશભાઇ
રસાયણોના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે
પ્રાકૃતિક ખેતીના પરિણામ વિશે તેમણે જણાવ્યું હતુ કે તમે ખાઓ અને ખબર પડે એનું નામ પ્રાકૃતિક. રસાયણોના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે. સાથે જ જમીન અને માનવ જાતિનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. ત્યારે આગામી પેઢીને સ્વસ્થ બનાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ઢળવુ જ રહ્યું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.