ચલાલામા વસંતવાડીની પાછળ મારૂતી સોસાયટીમા રહેતો એક પરિવાર પોતાનુ મકાન બંધ કરી કેરાળા ગામે ભાગવત કથા સાંભળવા ગયો હતો ત્યારે પાછળથી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી સોનાના દાગીના મળી કુલ રૂપિયા 3.67 લાખના મુદામાલની ચોરી કરી હતી. જો કે પોલીસે મુદામાલ સાથે ધામેલના તસ્કરને ઝડપી લીધો છે.
ચોરીની આ ઘટના ચલાલામા બની હતી. અહીના મારૂતી સોસાયટીમા રહેતા પ્રફુલભાઇ વલ્લભભાઇ જીકાદ્રા (ઉ.વ.51) નામના આધેડે ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તથા તેના મોટાભાઇના પરિવાર સાથે તારીખ 5/5ના રોજ કાર લઇને લાઠીના કેરાળામા ચાલી રહેલ ભાગવત સપ્તાહ સાંભળવા માટે ગયા હતા.
તેઓ કથા સાંભળી પરત ઘરે ફર્યા ત્યારે ચોરી થયાનુ માલુમ પડયુ હતુ. તસ્કરો તેમના મકાનની વંડી ટપી અંદર પ્રવેશી તાળુ ખોલી રૂમમા બોકસમા રાખેલ સોનાનો હાર, સોનાની એક જોડી બુટી, ત્રણ સોનાના ચેઇન, બે પેન્ડલ તેમજ સોનાની વીટીં ત્રણ નંગ મળી કુલ 3,67,800ના મુદામાલની ચેારી કરીને લઇ ગયા હતા.
ફરિયાદને પગલે સ્થાનિક પીએસઆઇ ડી.બી.ચૌધરી, હેડ કોન્સ્ટેબલ બી.આર.ધાધલ, આઇ.જી.કાલીયા વિગેરેએ તપાસ શરૂ કરી હતી. જીજે 14 એએફ 9954 નંબરનો બાઇક ચાલક સીસીટીવી ફુટેજમા આ શેરીમા શંકાસ્પદ રીતે આંટા મારતો નજરે પડયો હતો. તેના આધારે તપાસ આગળ ધપાવતા દામનગર તાબાના ધામેલ ગામનો વિશાલ વલ્લભભાઇ ગોંડલીયા નામનો તસ્કર ઝડપાઇ ગયો હતો. તેણે ચોરી કરેલો 3.67 લાખનો મુદામાલ પણ પોલીસને કાઠી આપ્યો હતો. તસવીર: પ્રકાશ કારીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.