10 વર્ષ બાદ ચૂંટણી:અમરેલી જિલ્લાના સૌથી મોટા માર્કેટ યાર્ડની ચૂંટણી 10 વર્ષ બાદ યોજાઇ

અમરેલી18 દિવસ પહેલા

અમરેલી માર્કેટીંગ યાર્ડમા આજે ચૂંટણી યોજાઈ છે. અગાઉ અહીં, આખું યાર્ડ બિનહરીફ કરવામાં આવતું હતું. પરંતુ 10 વર્ષ બાદ પહેલી વખત અહીં ચૂંટણી યોજાઇ છે. અહીં કુલ 16 બેઠકો પૈકી વેપારી વિભાગની 4 અને તેલીબિયાં વિભાગની 2 એમ કુલ 6 બેઠકો અગાઉથી બિનહરીફ થઈ ચૂકી છે. આજે ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. કુલ 1274 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદરોની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે ચૂંટણી રસપ્રદ બની રહી છે. જેમાં 10 બેઠકો માટે 11 ઉમેદવારોએ ઉમેદવારી કરતા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અહીં પહેલી વખત ભાજપના આગેવાન રણજીત વાળાએ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ હતુ.

માર્કેટીંગ યાર્ડના ચેરમેને શું કહ્યું?
અમરેલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ જણાવ્યું છે કે, 6 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. ખેડૂત વિભાગની 10 બેઠકની આજે ચૂંટણી છે. જેમાં 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. જેના કારણે ચૂંટણી કરવામાં આવી છે. અમારી પેનલ જંગી બહુમતીથી ચૂંટાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ભાજપના પૂર્વ મહામંત્રીએ કહ્યું?
અમરેલી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રણજીત વાળાએ જણાવ્યું હતું કે, મારા સહિત 11 ઉમેદવારો છે. અમારી સામેની પેનલમાં 5 કોંગ્રેસના અને 5 ભાજપના ઉમેદવાર છે. બે-ત્રણ ટ્રમથી આવી રીતે ચાલી રહ્યું છે. જેના પગલે મેં ઉમેદવારી નોંધાવી છે. ફક્ત અમરેલીમાં જ આવું છે કે ભાજપ, કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે છે. મને આશા છે કે લોકો મને જંગી બહુમતીથી જીતાડશે.

અન્ય સમાચારો પણ છે...