બગસરામાં સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ:ખાખડીઓ ખરી પડી કેરીના પાકને વ્યાપક નુકસાન

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢળતી સાંજે અમરેલીમાં પણ માવઠંુ, ઠેર-ઠેર વીજળીના ચમકારા

અમરેલી જિલ્લામા ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ ખાબકયા બાદ આજે ચોથા દિવસે પણ માવઠુ અનરાધાર વરસ્યુ હતુ. બગસરામા આજે સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ થયો હતો. તો માવઠાથી અમરેલી અને લાઠી પણ પાણી પાણી થયુ હતુ.

અમરેલી જિલ્લામા ઓણસાલ કેરીમા સારો ફાલ બેઠો હતો પરંતુ હવે કમોસમી વરસાદનુ વિઘ્ન આવ્યુ છે. ખેડૂતોને કેરીના પાકની સારી આશા હતી પરંતુ હવે કેટલો પાક ઉતરશે અને હજુ વધુ કેટલુ નુકશાન થશે તે મુદે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પાછલા ચાર દિવસથી પવન અને કડાકા ભડાકા સાથે ઠેકઠેકાણે પડેલા કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થયુ છે. મોટા પ્રમાણમા ખાખડીઓ ખરી પડી છે. ખાસ કરીને ધારી અને સાવરકુંડલા તાલુકામા કેરીના પાકને વધુ નુકશાન જોવા મળી રહ્યું છે.

બીજી તરફ આજે ચોથા દિવસે પણ અનેક વિસ્તારમા માવઠુ થયુ છે. ગઇકાલે બગસરામા એકાદ ઇંચ વરસાદ થયા બાદ આજે સતત બીજા દિવસે પણ જાણે ચોમાસુ ચાલતુ હોય તેમ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને એક ઇંચ વરસાદ વરસી જતા શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. બીજી તરફ અમરેલીમા પણ બપોર સુધી આકાશ ખુલ્લુ રહ્યાં બાદ સાંજે ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને વિજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણમા થોડી ઠંડક પ્રસરી હતી.

ગઇકાલની જેમ જ આજે લાઠીમા પણ ઢળતી સાંજે આકાશમાથી વાદળો વરસી પડયા હતા. તો લીલીયામા પણ સાંજના સુમારે વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. જયારે સાવરકુંડલામા પણ ઢળતી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો અને ઝાપટા વરસી પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. દામનગરમા પણ ઝાપટા વરસી પડતા માર્ગો ભીના થયા હતા.

બાબરામા કરા અને પવન સાથે વરસાદ
બાબરા પંથકમા સતત બીજા દિવસે સાંજના સુમારે વિજળીના કડાકા ભડાકા તેમજ ભારે પવન અને કરા સાથે વરસાદ પડયો હતો. અહીના ચમારડી, ચરખા, ગળકોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારમા પણ કમોસમી વરસાદ પડતા ઘઉં, જીરૂ, ધાણા સહિતના પાકને નુકશાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.

અમરેલીના ગાવડકા અને ખીજડીયામાં કરા સાથે માવઠું
અમરેલી તાલુકાના ગાવડકા અને ખીજડીયામા વિજળીના કડાકા ભડાકા અને પવન તેમજ કરા સાથે માવઠુ થયુ હતુ. તો બાબાપુરમા પણ અડધી કલાક સુધી કમોસમી વરસાદ પડતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

ઘઉંના પાકને મોટું નુકસાન
અમરેલી જિલ્લામા અનેક વિસ્તારમા હજુ ખેડૂતોના ઘઉં ઉભા હતા. જયારે કેટલાક ખેડૂતોએ ઘઉંનો પાક લણી લીધો હતો. પરંતુ પાથરા ખેતરમા પડયા હતા. કમોસમી વરસાદના કારણે આ ખેત જણસો પલળી જતા ખેડૂતને નુકશાન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...