અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકામાં 72 ગામડાં આવેલાં છે. સૌથી મોટો ગ્રામીણ વિસ્તાર આ વિસ્તારમાં આવેલો છે. પરંતુ આરોગ્ય સુવિધાના નામે મીંડું સર્જાયું છે. અહીં મોટા પ્રમાણમાં આસપાસના ગામડાના દર્દીઓ આરોગ્ય સેવા લેવા માટે આવી રહ્યા છે. પરંતુ સુવિધાના નામે મીંડું છે. જર્જરિત હાલતમાં હોસ્પિટલ હોવાને કારણે દર્દીઓ સહિત ડોક્ટરો પણ પરેશાની ભોગવી રહ્યા છે. ભયના ઓથારે નાછૂટકે દર્દીઓ સારવાર લેવા માટે અવર જવર કરતા હોય છે.
દીવાલો જર્જરિત હોવાને કારણે સાવધાની રાખવા સહિતના અલગ અલગ સરકારી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેથી સબ સલામત જોવા મળે છે. જ્યારે અહીં આટલી મોટી હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર ફરજ બજાવે છે અને અહીં હોસ્પિટલની છત પર પોપડા જોવા મળી રહ્યા છે. આખી બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની રાજ્ય સરકાર દ્વારા તાકીદે નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ છે.
સ્થાનિક પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે સરકારી દવાખાના માટે આરોગ્ય મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી નવું સરકારી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી.
ધારી વિસ્તારના એક જાગૃત નાગરિક કે. કે. ચૌહાણે કહ્યું હતું કે હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. મંજૂરી મળી ગઈ છે તો હવે સરકારે નવું મકાન બનાવવું જોઈએ. જો દર્દીઓ ઉપર છત પડશે તો જવાબદારી કોની? ઉપરાંત ત્યાં સારવાર લેવા જવાનો પણ ડર લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.