વડીયામા બે દિવસ પહેલા વકિલોએ સ્થાનિક જજના વર્તનથી નારાજ થઇ ધરણા કર્યા બાદ અમરેલી વકિલ મંડળે ઠરાવ કરતા આજથી જિલ્લાભરના તમામ વકિલો કોર્ટ કાર્યવાહીથી અચૌક્કસ મુદત સુધી અળગા થઇ ગયા હતા. કોઇ વકિલ કોર્ટ રૂમમા પણ જશે તો વકિલ મંડળનુ સભ્ય પદ રદ કરવા કાર્યવાહીની ચિમકી અપાઇ છે.
વડીયામા જજ અને વકિલ વચ્ચે થયેલો વિવાદ શમવાનુ નામ લેતો નથી. બલકે હવે આ પ્રકરણમા સમગ્ર જિલ્લાભરના વકિલોએ ઝંપલાવ્યું છે. અને જિલ્લાભરની તમામ અદાલતોમા વકિલોએ પોતાનુ કામકાજ ઠપ્પ કરી દીધુ છે. તારીખ 30/7ના રોજ અહીના વકિલ એન.બી.રાઠોડે બચાવના સાહેદોને તપાસવા માટે કહ્યું હતુ જે મુદે જજે તેમને અપમાનિત કરી ખખડાવ્યા હોવાની તેમણે રજુઆત કરી હતી.
બાદમા તેમની તબીયત લથડતા સારવાર માટે અમરેલી ખસેડાયા હતા. વડીયાના તમામ વકિલો કોર્ટની બહાર 30મી તારીખે ધરણા પર બેસી ગયા હતા. અમરેલીથી બાર એસો.ના સભ્યો પણ દોડી આવ્યા હતા. દરમિયાન આજે સોમવારે અદાલત ખુલતા જિલ્લાભરના વકિલો વડીયાના આ પ્રકરણમા મેદાનમા આવ્યા હતા અને અચૌક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા થઇ ગયા હતા.
અમરેલી વકિલ મંડળે આ અંગે આજે એક ઠરાવ પણ પસાર કર્યો હતો. એટલુ જ નહી અમરેલીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને લેખિત રજુઆત પણ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતુ કે આ ઘટનાનો અમરેલી બાર એસોસિએશન વિરોધ કરે છે અને તેના કારણે અચૌક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીએ છીએ.
અરજન્ટ કાર્યવાહી પણ નહી કરે વકિલો
બાર એસો.ના પ્રમુખ એલ.એન.દેવમુરારીએ સેશન્સ જજને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે જિલ્લાના વકિલો અરજન્ટ સહિતની તમામ કામગીરીથી અલિપ્ત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.