તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો હાહાકાર:કોરોના જિલ્લામાં 4200 લોકોને ભરખી ગયો, નિંભર તંત્રએ ચોપડે માત્ર 72 મોત દર્શાવ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એકલા અમરેલીમાં ગત વર્ષે માર્ચ, એપ્રિલ, મેમાં 296 મોત અને ચાલુ વર્ષે 1456 મોત થયા

કોરોનાએ છેલ્લા બે માસથી અમરેલી પંથકમાં મોતનું તાંડવ રચ્યું છે. એક સમયે તો સ્મશાનમાં ચિતાને બળવા માટે માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. ખુદ સરકારી તંત્રના ચોપડે નોંધાયેલા મરણના આંકડા પર નજર કરીએ તો કોરોના અમરેલી જિલ્લામાં 4200 લોકોને ભરખી ગયો છે. પરંતુ આરોગ્ય તંત્ર માત્ર આંકડા છૂપાવવામાં વ્યસ્ત રહ્યુ અને ચોપડે માત્ર 72 લોકોના મોત અત્યાર સુધીમાં દર્શાવ્યા છે.જ્યારે અમરેલી પંથકમાં લોકો ટપોટપ મરતા હતા, સ્વજનોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે લોકોને કલાકો સુધી લાઈનમાં રહેવું પડતું હતું.

તેવા સમયે પણ સંવેદના ગુમાવી ચૂકેલી તંત્ર મૃત્યુનો આ સિલસિલો અટકે તેવા નક્કર પગલાં લેવાને બદલે માત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા આંકડાઓનો ખેલ કરતું રહ્યું. પરંતુ સત્ય ગમે તેટલું છુપાવે છતાં ઉજાગર થયા વગર રહેતું નથી. છેલ્લા બે માસથી જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં મરણ નોંધ કરાવવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. મૃત્યુના આ આંકડા જ તંત્રની પોલ ખોલી રહ્યું છે. અમરેલી શહેરમાં ગત વર્ષે 2020માં માર્ચ એપ્રિલ અને મે એમ ત્રણ માસમાં માત્ર 296 લોકોના મોત થયા હતા. શહેરની આ જ સરેરાશ છે. પરંતુ તેની સરખામણીમાં ચાલુ વર્ષે 1456 લોકોના મોત થયા છે.

કોરોનાના કારણે શહેરમાં પાંચ ગણા મોત થયા છે. આવી જ સ્થિતિ જિલ્લા આખાની છે.ગત વર્ષે આ ત્રણ માસમાં 2359 લોકોના મોત થયા હતા. જિલ્લાની પણ આ જ સરેરાશ છે. પરંતુ ચાલુ સાલે 5449 લોકોના મોત નોંધાયા છે. વળી આ આંકમાં પણ મે માસના માત્ર પ્રથમ દસ દિવસની નોંધણીનો સમાવેશ થાય છે. આમ કોરોના માત્ર છેલ્લા ત્રણ માસમાં જ અમરેલી જિલ્લામાં 4200 લોકોને ભરખી ગયો છે.

જેની સામે આરોગ્ય તંત્રએ ગઇકાલ સુધીમાં માત્ર 72 મોત દર્શાવ્યા છે. અને તે પણ કોરોના જ્યારથી શરૂ થયો હતો ત્યારથી અત્યાર સુધીમાં. આ સમયગાળામાં જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોના મોત થાય તેવો અન્ય કોઈ રોગચાળો, હોનારત કે ભૂકંપ જેવી ઘટનાઓ બની નથી. માત્રને માત્ર કોરોનાના કારણે આ મોત થયા છે. આ વાત વહેલી કે મોડી સરકારે સ્વીકારવી પડશે.

એપ્રિલ અને મે માસમાં સૌથી કપરી સ્થિતી
​​​​​​​ગત વર્ષે અમરેલી જિલ્લામાં એપ્રિલ માસમાં 802 લોકોના મોત થયા હતા જ્યારે ચાલુ સાલે 2739 લોકોના મોત થયા હતા. આવી જ રીતે ગત વર્ષે મે માસમાં 728 લોકોના મોત થયા હતા. જ્યારે ચાલુ સાલે પ્રથમ દસ દિવસમાં જ 1852 લોકોના મોત થયાનું તંત્રના ચોપડે નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં વધુ 98 પોઝિટીવ કેસ
બીજી તરફ આજે અમરેલી જીલ્લામાં વધુ 98 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં તંત્રે જાહેર કરેલા કોરોનાના કુલ દર્દીઓનો આંક 6881 પર પહોંચ્યો છે.

એપ્રિલ માસમાં અમરેલી શહેરમાં આઠ ગણા મોત વધ્યા
2020ની સાલમાં અમરેલી નગરપાલિકામાં એપ્રિલ માસમાં 114 લોકોની મરણ નોંધ થઈ હતી. જ્યારે ચાલુ સાલે એપ્રિલ માસમાં 869 લોકોની મરણ નોંધ થઈ છે. આમ શહેરમાં એપ્રિલ માસમાં આઠ ગણા મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...